નવસારીઃ કોરોનાની મહામારીથી બચવા જાહેર કરાયેલા લોક ડાઉનમાં હવે લોકોની ધીરજ ખૂટી રહી હોય એવી સ્થિતિઓ સામે આવી રહી છે. નવસારીના આમરી ગામે રહેતા ખલાસી યુવાને હોમ કોરોન્ટાઇનના દિવસો બાદ માનસિક સંતુલન ગુમાવતા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

જેમાં યુવાનને દારૂની લત હોવાથી, લાંબા સમયથી દારૂ ન મળતા વાયુની સમસ્યા રહેતી હોવાની માહિતી મળી હતી. કોરોનાની મહામારી જાહેર થયા બાદ દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટો કિનારે લાંગરી હતી. જેમાંથી નવસારી જિલ્લામાં પણ 2 હજારથી વધુ માછીમારો પરત ફરતા તમામને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

જેમાં નવસારી તાલુકાના આમારી ગામે મામાના ઘરે રહેતો હિતેશ મનુભાઈ રાઠોડ પણ ખલાસી તરીકે માછીમારી કરવા ગયો હતો. જ્યાંથી પરત ફરતા તેને હોમ કોરોન્ટાઇન કરાયો હતો. હિતેશને દારૂ પીવાની લત હતી, પણ લોક ડાઉન હોવાને કારણે દારૂ પણ ન મળતા હિતેશને વાયુ ચઢી જતા માનસિક બીમાર થયો હતો.
દરમિયાન તેની સ્થિતિ વધુ બગડતા રવિવારે બપોરે પોતાના મામાના ઘરે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા ગામના ઉપસરપંચ વસંત દેસાઈએ ગ્રામ્ય પોલીસને સુચના આપતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જયારે સમગ્ર મુદ્દે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધારી હતી. ઉલ્લેખનિય છે કે, દારૂની લત ધરાવાતા હિતેશ રાઠોડને લોકડાઉનમાં દારૂની ન મળતા માનસિક રીતે બેચેન બનવાને કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી મળી હતી.