- ગુજરાત સરકારે મૃતક શકમંદ યુવાનોને 3-3 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત
- જિલ્લા પોલીસ અધિક્ષક બંને પરિવારોની સત્યતા ચકાસી આપાશે સહાય
- ડાંગના બે યુવાનોની ચીખલી પોલીસ મથકમાં પોલીસકર્મીઓ કરી હતી હત્યા
નવસારી : ચીખલી પોલીસ મથકમાં ડાંગના બે શકમંદ યુવાનોની પોલીસ કર્મીઓ દ્વારા જ કરવામાં આવેલી હત્યા પ્રકરણમાં દોઢ મહિના બાદ રાજ્ય સરકારે સંવેદના દર્શાવી છે અને બન્ને મૃતક યુવાનોના પરિવારોને 3-3 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી જિલ્લા પોલીસ હત્યારોપી પોલીસ કર્મીઓને પકડી શકી નથી.
![ચીખલી કસ્ટોડિયલ ડેથના મૃતક યુવાનોના પરિવારોને મળશે આર્થિક સહાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-custodial-death-sahay-photo-gj10031_10092021170756_1009f_1631273876_477.jpg)
ચીખલી પોલીસે બાઈક ચોરીની શંકામાં પકડયા હતા યુવાનોને
18 જુલાઈના રોજ ચીખલી પોલીસે ડાંગના વઘઇ ખાતે રહેતા રવિ જાદવને બાઈક ચોરીની શંકામાં પકડ્યો હતો, બીજા જ દિવસે વઘઇ રેલવે સ્ટેશન નજીકથી 19 વર્ષિય સુનિલ પવારને ઉઠાવ્યો હતો. બન્ને યુવાનોએ ગત 21 જુલાઈની વહેલી સવારે ચીખલી પોલીસ મથકમાં એક જ વાયરના બન્ને છેડા ગળે બાંધી પંખા સાથે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો.
પોલીસ તમામ 6 હત્યારોપીઓની પકડી શકી નથી
સમગ્ર પ્રકરણ ચર્ચાએ ચઢ્યા બાદ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવસારી પોલીસે ચીખલી PI એ.આર.વાળા, PSI એમ.બી.કોકણી, HC શક્તિસિંહ ઝાલા અને પસી રામજી યાદવને સસ્પેન્ડ કર્યા હતા. જો કે, બાદમાં ઉક્ત ચારેય સહિત 6 પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભાઈ હતી, પરંતુ હજુ સુધી પોલીસ તમામ 6 હત્યારોપીઓની પકડી શકી નથી.
![ચીખલી કસ્ટોડિયલ ડેથના મૃતક યુવાનોના પરિવારોને મળશે આર્થિક સહાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-custodial-death-sahay-photo-gj10031_10092021170756_1009f_1631273876_841.jpg)
બન્ને મૃતક યુવાનોના વારસદારોની ખરાઈ કરી અપાશે આર્થિક સહાય
સમગ્ર પ્રકરણમાં આદિવાસી ગરીબ પરિવારોના ન્યાય માટે ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય આદિવાસી સંગઠનો દ્વારા સરકારમાં આવેદનપત્ર પાઠવી CID તપાસ તેમજ મૃતક યુવાનોના પરિવારને આર્થિક સહાયની માંગણી કરવામાં આવી હતી. જેને જોતા રાજ્ય સરકારે સંવેદના દર્શાવી બન્ને મૃતક યુવાનોના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જો કે, સહાય આપવા પૂર્વે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મૃતક યુવાનોના વારસદારોની ખરાઈ કરવા સાથે જ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બન્ને પરિવારોને આર્થિક સહાય ચૂકવાશે.
કસ્ટોડિયલ ડેથ મુદ્દે સરકારની ગાઈડલાઈન અનુસાર અપાશે વારસદારોને સહાય
આ મુદ્દે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, કસ્ટોડિયલ ડેથમાં સરકારની ગાઈડલાઈન અનુસાર મૃતકના પરિવારને 3 લાખ રૂપિયાની સહાય અપાવવાની યોજના છે અને તેના આધારે જ બન્ને મૃતકોના વારસદારને આર્થિક સહાય આપવામાં આવશે. જેમના વારસદારોની ખરાઈ કરાશે, કારણ બન્ને અપરિણીત હતા અને કાલે કોઈ બીજો તેમનો વારસદાર સામે ન આવે, એટલે બન્નેમાં વારસદારોની ખરાઈ કર્યા બાદ સહાય અપાશે.