- ડિઝલના ભાવ વધારાને કારણે માછીમારોનો ખર્ચો વધ્યો
- દરિયાઈ મેવો (માછલી) બહાર લાવ્યા બાદ ભાવ પણ ગગડી જતા પડતા પર પાટૂ
- ગત વર્ષ કરતા મોડી સીઝન શરૂ થઈ, પ્રથમ ફિશિંગ પર આશા
નવસારી : કોરોનાની થાપટે ધરતી શું દરિયામાં વેપાર કરતા માછીમારોની હાલત પણ બગાડી છે. આસમાને ચઢેલા ડિઝલના ભાવ અને દરિયાઈ મેવો (માછલી)ના ગગાડેલા ભાવોએ માછીમારોની આર્થિક કમર તોડી નાંખી છે. જેમાં પણ આ વર્ષે સિઝન મોડી શરૂ થઈ છે, જો કે દિવાળી સુધી સિઝન સારી રહી તો, માછીમારોને સ્થિતિ સુધારવાની આશા બંધાઈ છે.
લાખોનું નુકસાન વેઠીને પણ માછીમારોએ ખલાસીઓને સાચવ્યા
નવસારી જિલ્લામાં 52 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. જેમાંથી મોટી સંખ્યામાં સાગર ખેડૂઓ મુંબઈના ભાઉ ચા ઢક્કા અને ગુજરાતમાં ઓખા અને પોરબંદરથી માછીમારી કરે છે. જો કે મચ્છીના સારા ભાવો મુંબઈમાં મળતા હોવાથી નવસારીના મોટા ભાગના માછીમારોની બોટ મુંબઇ માછીમારી કરે છે અને તેમના રજિસ્ટ્રેશન પણ મહારાષ્ટ્રના જ છે. ગત વર્ષે કોરોનાના પ્રારંભે જ સરકારે જે જ્યાં હોય તેને ત્યાં જ અટકી જવા કીધુ હતું પરંતુ દરિયામાં ફસાયેલા માછીમારો જ્યારે કિનારે આવ્યા તો તંત્રએ ઉતરવાની મંજૂરી ન આપતા ખાધા-પીધા વગર મંજૂરીની આશાએ કિનારે બેસી રહેવુ પડયું હતું. જોકે ત્યાર બાદ મહિનાઓ ઘરે બેઠા બાદ માછીમારોએ સ્થાનિક સ્તરે દરિયામાં માછીમારી કરી પણ દરિયાઈ માવો એટલે માછલીઓના ભાવ 60 ટકાથી 70 ટકા જેટલા ગગડી જતા માછીમારોની આર્થિક સ્થિતિ તંગ બની હતી. જેમાં આ વર્ષે શ્રાવણી પૂનમ બાદ સિઝન 15 દિવસ મોડી શરૂ થઈ છે. જેથી પ્રથમ ફિશિંગ સારી રહે એવી આશા માછીમારો એવી રહ્યાં છે.
વેપારીએ ડિઝલ ન આપતા બોટ ભાવનગરમાં બંધ પડી છે : ભાવેશ ટંડેલ
નવસારીના ઓંન્જલ માછીવાડ ગામના ભાવેશ ટંડેલે જણાવ્યું કે તેમની પાસે બે બોટ છે, જેમાંથી ગત વર્ષે માછલીના ભાવ ઓછા હોવાને કારણે ખર્ચ કરતા આવક કઈ ન રહી. જેમાં વેપારીએ ડિઝલ ન ભરાવી આપતા આજે પણ મારી એક બોટ ભાવનગરમાં ડિઝલ ન મળવાને કારણે બંધ પડી છે. મારા જેવા તો ઘણા માછીમારો હશે કારણ ડિઝલમાં થયેલો અતિશય ભાવ વધારો છે. એક ફિશિંગમાં જ 1.50 લાખથી વધુનું ડિઝલ જાય છે. જેની સાથે લાકડા, બરફ, ખાવાનું સીધું તેમજ ટંડેલ અને ખલાસીઓનો પગાર કાઢવો બોટ માલિક માછીમાર માટે મુશ્કેલી રૂપ છે. બોટ માલિક કરતા ટંડેલ વધુ કમાણી કરે છે. જે અગાઉ બચત થતી હતી એમાં ડિઝલના વધેલા ભાવને કારણે મોટાભાગની રકમ ડિઝલમાં જ જતી રહે છે. જેથી માછીમારોની હાલત વિકટ છે, દિવાળી સુધી જો સારી સિઝન રહી તો જ માછીમાર સરવાઈવ કરી શકશે નહીં તો બોટ રાખવી પણ ભારે પડશે.
ગત વર્ષે જેમ તેમ ગાડું ગબડાવ્યુ, હવે સિઝન સારી રહેવાની આશા : નિલેશ ટંડેલ
નવસારીના છાપરા રોડ સ્થિત મણિનગર રહેતા અને મૂળ ક્રુષ્ણપુરના નિલેશ ટંડેલે જણાવ્યું કે કોરોનાને કારણે ગત સીઝન તો જેમ તેમ કાઢી છે. એક ફિશિંગમાં ડીઝલ, બરફ ખાવાનો સમાન સહિત ત્રણ લાખનો ખર્ચો હોય છે. જેની સામે દરિયામાંથી માછલી પકડીને આવીએ, તો કિનારે વેપારીઓએ ભાવ 60 થી 70 ટકા તોડતા માછીમારોને મોટી ખોટ વેઠવી પડી હતી. જોકે મારી સાથે ખલાસી, ટંડેલ એમ 20 પરિવારો માછીમારી પર નભતા હોય છે. જેથી જેમ તેમ કરીને ગાડુ ગબડાવ્યું, પણ આજથી મારી બોટ દરિયામાં ગઈ છે, પ્રથમ ફિશિંગ સારી રહે એવી આશા છે, જોકે બધું ભગવાન ઉપર છે.