નવસારી : સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે માસ્ક તેમજ સેનેટાઇઝર લોકોને કોરોના સામેની જંગમાં હથિયારની જેમ ઉપયોગી સાબીત થઇ રહ્યુ છે, પરંતુ મેડિકલ માસ્કની વધેલી માગને કારણે માસ્કની અછત સર્જાઈ છે. બીજી તરફ નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારના ગામોની ગરીબ પ્રજા મોંઘા માસ્ક ખરીદી શકે તેવી ક્ષમતા પણ નથી હોતી. જેથી ગામડાના લોકો સુધી માસ્ક પહોંચી શકે તેવા ઉમદા હેતુથી નવસારીના ખેરગામ તાલુકાના પ્રમુખ સંગીતાબેન નાયકે પોતાની ટીમ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ ખેરગામના જરૂરિયાતમંદો સુધી માસ્ક પહોંચાડવા સ્વભંડોળમાંથી ૫૦ હજાર રૂપિયાની ફાળવણી કરી ૫ હજારથી વધુ કાપડના માસ્ક બનાવવાનું બીડું ઝડપ્યું છે.
પંચાયાત દ્વારા માસ્ક બનાવવાના અભિયાનમાં ખેરગામ-ચીખલી રોડ નજીક રહેતા દીપક નાયક, પુરવ પટેલ તથા ખેરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિભાબેન દેસાઇએ માસ્ક બનાવવાની જવાબદારી સ્વીકારી છે. એકલા વિભાબેને તેમની દીકરીઓના સહયોગથી ૨૫૦૦ માસ્ક બનાવવાની કામગીરી ઉપાડી છે અને અત્યાર સુધીમાં ૧૫૦૦ માક્સ તૈયાર પણ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, ખેરગામ તાલુકા પંચાયત દ્વારા તૈયાર કરાવાઈ રહેલા ૫ હજાર કાપડના માસ્ક તાલુકાના જરૂરિયાતમંદ ગરીબોને વિતરિત કરવામાં આવશે. જયારે પંચાયતનાં નિર્ણયને તાલુકાના આગેવાનોએ બિરદાવ્યો છે અને વિકટ સ્થિતિમાં આજ પ્રકારે લોકહિતના નિર્ણય લે એવી આશા પણ વ્યક્ત કરી છે.