- આદિવાસી યુવાનોએ આત્મહત્યા કરી કે પોલીસકર્મીઓએ કરી હત્યા, ચોક્કસ નિર્ણય નહીં
- શુક્રવારે મોડી રાત્રે PI સહિત ત્રણ પોલીસકર્મીઓની કરાઈ ધરપકડ
- પોલીસકર્મીઓની ધરપકડ મુદ્દે પોલીસ અધિક્ષકે યોજી પત્રકાર પરિષદ
નવસારી : ચીખલીમાંથી બાઈક ચોરીની શંકામાં પોલીસે ડાંગના વઘઇના રવિ જાદવ અને સુનિલ પવારને ગત જુલાઈમાં ઉઠાવ્યા હતા. પરંતુ પોલીસ તેમને ચોર સાબિત કરે એ પૂર્વે જ રવિ અને સુનિલે ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં પંખા સાથે વાયર બાંધી, તેના બન્ને છેડાઓ પોત-પોતાના ગળામાં બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને લઈ ચીખલી પોલીસ પર આંગળી ચીંધાતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા PI અજીતસિંહ વાળા, HC શક્તિસિંહ ઝાલા અને PC રામજી યાદવને સસ્પેન્ડ કરી દીધા હતા.
ચીખલી PI સહિત 6 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી
આદિવાસી સંગઠનો સાથે સમગ્ર પ્રકરણે રાજકિય રંગ પકડતા ડાંગના ભાજપી આગેવાનોની આગેવાનીમાં મૃતક યુવાનોના પરિવારજનોએ નવસારી પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરી ચીખલી PI સહિત 6 પોલીસકર્મીઓ સામે અપહરણ, હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી હતી. જેને ધ્યાને લીધા બાદ નવસારી પોલીસે PI અજીતસિંહ વાળા, HC શક્તિસિંહ ઝાલા, PC રામજી યાદવ સહિત 6 લોકો સામે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બે મહિનાઓથી ફરાર હતા પોલીસકર્મીઓ
ચીખલીના તત્કાલીન PI અજીતસિંહ વાળા સહિત પોલીસકર્મીઓને હત્યારોપી બનાવાતા જ તમામ ગાયબ થઈ ગયા હતા. પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ રહેતા આદિવાસી આગેવાનો તેમજ કોંગી ધારાસભ્ય અનંત પટેલે ફરાર પોલીસ કર્મીઓની ધરપકડની માંગ સાથે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. તે દરમિયાન PI વાળા સહિત શક્તિસિંહ અને રામજીએ પણ આગોતરા જામીન અરજી કરી હતી.
આદિવાસીઓને ધરણામાં જોડાવા આહવાન કર્યુ
ઘટનાને બે મહિના થઇ ગયા હોવા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ ન કરતા કોંગી ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી આગેવાનોના સહકાર સાથે ગત 20, 21 અને 22 સપ્ટેમ્બર સુધી ચીખલીમાં પ્રતીક ધરણા કરવાની જાહેરાત કરી, આદિવાસીઓને ધરણામાં જોડાવા આહવાન કર્યુ હતુ. પરંતુ પોલીસે આદિવાસીઓનું આંદોલન નિષ્ફળ બનાવી, ધારાસભ્ય સાથે 24 સપ્ટેમ્બરે રેન્જ આઇજીની મુલાકાત ગોઠવી હતી.
ત્રણેય આરોપીઓ 2 દિવસના પોલીસ રિમાન્ડ પર
કોંગી ધારાસભ્ય અને આદિવાસી આગેવાનો સુરત રેન્જ આઇજીને મળે, એ પૂર્વે જ નવસારી જિલ્લા પોલીસે, PI અજીતસિંહ વાળા અને HC શક્તિસિંહ ઝાલા તેમના નવસારીના ઘરે આવવાના હોવાની બાતમીના આધારે બન્નેને દબોચી લીધા હતા. પોલીસે PI વાળા અને HC ઝાલાની અટક કરી, એના થોડા જ સમયમાં PC રામજી યાદવ પણ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે ત્રણેયને અટકમાં લઈ, તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ નેગેટિવ આવતા રાત્રે 9 વાગ્યે ત્રણેય હત્યારોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને આજે નવસારી કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સમગ્ર પ્રકરણમાં પોલીસ, જ્યૂડિસિઅરી અને NHRC કરી રહી છે તપાસ
ચીખલી કસ્ટોડીયલ ડેથના ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ થયા બાદ આજે બપોરે પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં આરોપીઓએ હત્યાને કેવી રીતે અંજામ આપ્યો અથવા કયા પુરાવાઓના આધારે હત્યાનો ગુનો નોંધાયો હતો, એ સવાલના જવાબમાં સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. તેમણે તપાસ હજુ પૂર્ણ નથી થઈ હોવાનું જણાવી, અત્યારે કંઈપણ કહેવું અયોગ્ય જણાવ્યુ હતુ. જ્યારે મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ મહત્વની કડી મળી નથી. સાથે જ જ્યૂડિસિયરી અને NHRC પણ આ મુદ્દે તપાસ કરી રહી છે. જેથી તપાસના અંતે જ ખરી હકીકત જણાવી શકાશે. બીજી તરફ પોલીસ આરોપીએ પોલીસકર્મીઓને બચાવવાનો કોઈ પ્રયાસ નથી કરી રહીનો રાગ પણ ગાયો હતો.
બે મહિનાની પોલીસ તપાસ સામે પણ ઉઠ્યા સવાલ..!
જો કે અહીં ઉલ્લેખનિય છે કે, ચીખલીમાં શકમંદ આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને 2 મહિના વીત્યા છે, પણ પોલીસ પ્રાથમિક તપાસમાં આદિવાસી યુવાનોએ આત્મહત્યા કરી હતી કે પોલીસકર્મીઓએ હત્યા કરી હતી એ જાણી શકી નથી. જેમાં પણ કુલ 6 આરોપીઓમાં 5ના નામ છે, પણ છઠ્ઠો આરોપી કોણ એનું નામ પણ શોધી શકી નથી. મહત્વની વાત મૃતકોના પરિવારની ફરિયાદને જ FIR માં ફેરવી દેવામાં આવી હતી. પણ પોલીસ દ્વારા કરાયેલી તપાસને બે મહિના થવા છતાં પણ ઘટનાની કોઈ કડી શોધી શકી નથી કે ફોડ પાડવા તૈયાર નથી.
હત્યાનો ગુનો નોંધવા મુદ્દે ઉઠયા હતા અનેક તર્ક વિતર્ક
કોંગી ધારાસભ્ય અનંત પટેલે ઘટના બાદ જવાબદાર પોલીસકર્મીઓ સામે માનવ વધનો ગુનો નોંધવાની માંગણી કરી હતી. જ્યારે ઘટનાને જોતા જવાબદારો સામે આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધાવાની ચર્ચા હતી. પરંતુ પોલીસે હત્યાનો ગુનો નોંધાતા સમગ્ર મુદ્દે લોક માનસમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા.
આ પણ વાંચો- ચીખલી કસ્ટોડિયલ ડેથમાં પોલીસ ઇન્સ્પેકટરના જામીન નામંજૂર
આ પણ વાંચો- ચીખલી કસ્ટોડિયલ ડેથના મૃતક યુવાનોના પરિવારને મળશે આર્થિક સહાય