નવસારી: ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્ર સતત બદલાઈ રહ્યું છે, ત્યારે જીવનની મુખ્ય જરૂરિયાતનું એક પાણી બચાવવું માનવ જાત માટે ખૂબ જરૂરી બન્યું છે. નવસારીના સામાજિક આગેવાન શહેરના લોકો વરસાદી પાણીનો બગાડ કરવાને બદલે પાણીનો સંગ્રહ અને બોરિંગ રિચાર્જ કરે, તે માટેના પ્રયાસ કરી રહ્યા છે.
નવસારી પાલિકાએ ગત વર્ષે ઉત્સાહી બની વોટર હાર્વેસ્ટિંગ માટેની યોજના બનાવી નાગરિકોને આર્થિક સહાય આપી હતી, પરંતુ આ વર્ષે પાલિકાએ પ્રચાર-પ્રસાર નહીં કરતાં, વરસાદી પાણીના સંગ્રહ માટે શહેરમાંથી નામ પૂરતી જ અરજીઓ આવી છે. જેને વિપક્ષે પાલિકાની નબળાઈ ગણાવી છે.
ગાયકવાડી રાજના નવસારીમાં ઉનાળામાં પાણી સમસ્યા માથું ઉંચકે છે. નહેર આધારિત કરોડોની પાણી યોજના પણ ઘણીવાર પાણીના અભાવે પાલિકાને ચિંતિત કરી મૂકે છે, ત્યારે શહેરીજનોને સામાજિક અગ્રણી વિસ્પી કાસદે વરસાદી પાણીનો સંગ્ર કરવા, પાણીને જમીનમાં ઉતારી જળસ્તર ઉંચુ લાવવા અને લોકોને જાગૃત કરવાના પ્રયાસ સાથે જ વોટર હાર્વેસ્ટિંગ તેમજ બોર રિચાર્જ કરવા માટે ઓનલાઈન અભિયાન છેડ્યું છે. જેમના પ્રયાસોથી ગત વર્ષે સોસાયટી, એપાર્ટમેન્ટ મળી 11થી વધુ સ્થળોએ ચોમાસામાં વહી જતા લાખો લીટર વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં સફળતા મળી છે.
શહેરની સોસાયટીઓ, એપાર્ટમેન્ટ અને સ્કૂલમાંથી લાખો લીટર વરસાદી પાણીને વહી જતા અટકાવી જમીનમાં ઉતારવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના પ્રયાસોના કારણે ઘણા લોકોએ પોતાના ઘરે પણ વરસાદી પાણીને બચાવવાનો પ્રયાસ કર્યો છે. જેને કારણે આકરા ઉનાળામાં પાણી સમસ્યાનું સમાધાન મળ્યું છે.
નવસારી નગરપાલિકાએ પણ મોટા ઉપાડે ગત વર્ષે એપાર્ટમેન્ટ અને સોસાયટીવાસીઓ વરસાદી પાણીના સંગ્રહ કરી જમીનમાં ઉતારી જળસ્તર ઉંચા લાવવાના પ્રયાસ કરે એ હેતુથી વોટર હાર્વેસ્ટિંગ કે બોર રિચાર્જ માટે આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જેમાં શહેરમાંથી આવેલી 55થી વધુ અરજીઓમાંથી 31 અરજીઓ ધ્યાને લેવામાં આવી હતી, પરંતુ આ વર્ષે જાહેરાતના અભાવે શહેરમાંથી નામ પૂરતી જ અરજીઓ આવી છે. જેથી વરસાદી પાણી બચાવવાની જરૂરી યોજના અને એના માટે ફંડની ફાળવણી કરી છતાં પાલિકાએ પ્રચાર-પ્રસાર નહીં કરતાં પોતાની નિષ્ફળતા છતી કરી હોવાના આક્ષેપો વિપક્ષે લગાવ્યા છે.
નવસારી પાલિકાએ વરસાદી પાણીને વહી જતું અટકાવવા 5થી 14 હજાર રૂપિયા સુધીની સહાય યોજના શહેરીજનો માટે બનાવી છે. જેમાં ગત વર્ષે સોસાયટી અને એપાર્ટમેન્ટ મળી પાલિકાએ કુલ 31 અરજીઓને 1 લાખ રૂપિયાથી વધુની સહાય કરી છે. જો કે, કોરોના કાળને કારણે આ વર્ષે જાહેરાત થઇ નથી, પરંતુ પાલિકાએ આ વર્ષે પણ સહાય આપવાની તૈયારી દર્શાવી છે.
ગુજરાત સરકારે ભવિષ્યની ચિંતા કરી 2 વર્ષોથી શરૂ કરેલી સુજલામ-સુફલામ યોજનાને કોરોના કાળની પણ કોઈ અસર થઈ નથી, પરંતુ નવસારી પાલિકા વરસાદી પાણીના સંગ્રહની મહત્વની યોજના મુદ્દે શહેરીજનોને પ્રોત્સાહિત કરવામાં પણ નિષ્ફળ રહી છે.