નવસારી: કોરોના વાઈરસની મહામારી સામે બચવા ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનને મહિનો પુરો થયો છે. જોકે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અને અન્ય શરતોને આધીન આવશ્યક સેવાઓની દુકાનોને ખોલવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે લોકડાઉન-2માં પણ જ્યાં કોરોનાને કારણે સ્થિતિ ચિંતાજનક નથી, એવા વિસ્તારોમાં 25 એપ્રિલથી શરતોને આધીન આવશ્યક સેવાઓ સિવાયની દુકાનોને ખોલવાની મંજૂરી આપવાની ગાઈડ લાઈન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.
જેને લઈને નાના વેપારીઓમાં ખુશી જોવા મળી છે. ત્યારે નવસારીમાં એની અમલવારીને લઈને વેપારીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. કારણ કે, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન બાદ ગુજરાત સરકારે એના ઉપર કોઈ નિર્ણય લીધો હોય એવી માહિતી અત્યાર સુધી મળી નથી. તેમજ જીલ્લા કલેક્ટર દ્વારા પણ કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી.
આથી વેપારી મંડળના અગ્રણી દ્વારા સરકાર નાના વેપારીઓના હિતમાં સોશ્યલ ડિસ્ટનસિંગ અને અન્ય સુરક્ષામાં માપદંડોને ધ્યાને રાખીને મંજૂરી આપે એવી આશા વ્યક્ત કરાઈ હતી.