એક લોક વાયકા પ્રમાણે, સેંકડો વર્ષ પૂર્વે એક સંઘ જાત્રાએ નીકળ્યો હતો. જેમાં એક ભક્ત લંબોદર ગણેશના દર્શન કર્યા બાદ જ ભોજન લેતો હતો. પગપાળા નીકળેલો સંઘ નવસારીના સિસોદ્રા ગામ નજીક પહોંચ્યો અને સાંજ પડતા રાત્રિ રોકાણનો વિચાર કર્યો. તો, બીજી તરફ નજીકમાં ક્યાંય વિઘ્નહર્તાનું મંદિર ન હોવાથી શ્રીજીના ભક્તે ભુખે પેટ રાતવાસો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ, ગણેશમાં અપાર શ્રધ્ધાને પગલે ભક્તે બાપ્પાને પ્રાર્થના કરી, કહેવાય છે ને ભગવાન ભુખ્યો ઉઠાડે ભુખ્યો સુવા ન દે. આ કહેવત અહીં સાર્થક થઈ. ભગવાન શ્રી ગણેશજી સ્વયંભુ પ્રગટ થયા અને તેને દર્શન આપ્યા. બાપ્પાના દર્શન કરીને ભક્ત રાજી થયો અને ભોજન કરવાની સાથે જ ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્ય થયો હતો.
જોકે પૌરાણિક વાતો વિશે વાત કરીએ તો મુઘલ બાદશાહ ઔરંગઝેબની સેના જ્યારે બાપ્પાના મંદિરને તોડવા પહોંચી, તો નજીકના વડમાંથી ગજાનન હજારો ભમરાઓના સ્વરૂપે પ્રગટ થયા અને સેનાને ભગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના વિશે જ્યારે બાદશાહને જાણ થઈ, તો તે ભગવાન ગણેશને નતમસ્તક થયો અને બાદમાં મંદિરના પૂજારી મહંત નારાયણગીરીના નામે સુરતના સુપા પરગાણામાં આવતા મંદિરની આસપાસની 20 વીઘા જમીન દાન કરી, જેની સરકાર, પ્રજા અને ઓલાદોની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. ફારસી ભાષામાં લખેલો અને બાદશાહ ઔરંગઝેબના સિક્કા અને હસ્તાક્ષરવાળો તે દસ્તાવેજ આજે પણ નારાયાગીરી ગોસ્વામીના વંશજોએ સાચવીને રાખ્યો છે. જે ભવ્ય ઈતિહાસની સાબિતિ છે.
નવસારીના સિસોદ્રા ગણેશ ગામના સ્વયંભુ ગણેશવડના દર્શને મંગળવાર, ચોથ અને ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન નવસારી સહિત સમગ્ર ગુજરાતમાથી શ્રીજી ભક્તો આવે છે અને બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે.