નવસારીના સદલાવ ગામે બે વ્યક્તીઓને કોલેરા થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર સફાળુ જાગ્યું હતું. જિલ્લા કલેકટર દ્વારા સદલાવ ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું તેમજ પરિસ્થિતિનો ક્યાસ કાઢી તુરંત નજીકના છ ગામો સરપોર, પારડી, અંબાડા, ખડસુપા, નવાતળાવ અને મુનસાડને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરી દેવાયા હતા. જિલ્લા કલેકટરની સૂચના મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ગામોની મુલાકાત લઈ પાણીના સેમ્પલ લેવાયા હતા અને ગંદકીથી ખદબદતા વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સ્થાનિક ગ્રામજનોને એકત્ર કરી રોગચાળો વધુ ન વકરે તે માટે ખાસ કાળજી લેવા જરૂરી સૂચનો અપાયા હતા.
રોગચાળાની ગંભીર સ્થિતિ બાદ પણ ભય ગ્રસ્ત જાહેર કરાયેલા ગામોમા ભારે ગંદકી જોવા મળી હતી. સ્થાનિક સરપંચ અને તલાટી દ્વારા ગામમાં સફાઈ અને સ્વચ્છતાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ સ્થળ ઉપર પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળી હતી. પીવાના પાણીના સ્ત્રોત નજીક પણ પારાવાર ગંદકી જોવા મળી હતી. હવે આ સ્થિતિમાં રોગચાળો ન વકરે તો નવાઈ નહીં.