નવસારીઃ કોરોના વાઈરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે મરકજના જમાતીઓને કારણે ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી છે. જેમાં નવસારી જિલ્લાના અંતરિયાળ ગામોમાં તબલીગી જમાતના લોકો છુપાયા હોવાની અફવાઓ વધી છે. જેમાં બીલીમોરાના વાઘરેચ ગામે ગત રાતે ઈટના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા દારૂડિયાએ કોરોના વાઈરસવાળા બે અજાણ્યા શખ્સો ચેપ લગાડવા આવ્યા હોવાની બૂમાબૂમ કરતા, સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. જો કે, પોલીસની તપાસમાં દારૂડિયાની વાત અફવા નીકળતા પોલીસે તેના વિરુદ્ધ નેશનલ ડિઝાસ્ટર એકટ હેઠળ ગુનો નોંધી જેલ ભેગો કર્યો હતો.
એક તરફ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાઈરસના દર્દીઓને બચાવવા ઝઝૂમી રહ્યા છે. ત્યારે બીજી તરફ જાત-જાતની અફવા સામે આવી રહી છે. દિલ્હીની તબલીગી જમાતના લોકો નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામડાઓના ખેતરોમાં છુપાયા હોવાની વાતે ગ્રામજનો જાગરણ કરતા હોવાની ચર્ચાઓ પણ ઉઠી હતી. જો કે, ચીખલી પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કરતા તબલીગી જમાતીઓની વાત અફવા જણાઈ હતી. આવો જ એક કિસ્સો ગત રાતે બીલીમોરામાં સામે આવ્યો હતો. બીલીમોરાના વાઘરેચ ગામે મચકડી નાકા પાસે કિરણ પ્રજાપતિનાં ઈંટના ભઠ્ઠામાં મજૂરી કામે રહેતા શૈલેષ ઈશ્વર નાયકાએ નશાની હાલતમાં બૂમબરાડા પાડતા લોક ટોળા ભેગા થયા હતા. જેમાં શૈલેશે લોકોને કહ્યું હતુ કે, બે અજાણ્યા અહીં આવ્યા છે, જે કોરોના રોગવાળા હતા અને તેઓ બધાને ચેપ લગાડતા હતા. જે વાત વાયુવેગે શહેરમાં લોકોમાં અજંપાભરી ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને કહેવાતા બંને શખ્સોની શોધખોળ શરૂ કરાઈ હતી.
સમગ્ર મુદ્દે ગણદેવી તાલુકાના માજી પ્રમુખ ભીખુ પટેલે પોલીસને જાણ કરતાં બીલીમોરાના વરિષ્ઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.પી.ગરાસીયા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કહેવાતા કોરોના વાઈરસવાળા બે અજાણ્યાં લોકોની શોધખોળમાં આરંભી હતી, પરંતુ કોઈ મળી આવ્યું ન હતું. જેથી પોલીસે ઈંટના ભઠ્ઠા પર કામ કરતા શૈલેષ નાયકાની પૂછપરછ આરંભી હતી. જો કે, સતત ઉડાઉ જવાબ આપાતો શૈલેશ દારૂના નશામાં અટકચાળો કરી ખોટી અફવા ફેલાવી હોવાના તથ્યો સામે આવ્યા હતા. જેથી પોલીસે શૈલેશ નાયકા સામે ખોટી અફવા ફેલાવવા મુદ્દે નેશનલ ડિઝાસ્ટર એક્ટ હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.