- ગુજરાત સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં રેબેકા નવસારીની પ્રથમ મહિલા ખેલાડી
- અભ્યાસ દરમિયાન રેબેકાને ક્રિકેટમાં રૂચિ જાગી અને સ્ટેટ ટીમમાં પહોંચી
- પસંદગીની મેચમાં 25 રન આપી 4 વિકેટ લઈને રેબેકાએ ટીમમાં સ્થાન બનાવ્યું
- ઓફ સ્પિન બોલિંગમાં રેબેકાએ મેળવી છે મહારથ
- પ્રથમ હેન્ડ બોલ રમતી હતી રેબેકા
નવસારી: રાજપીપળામાં બેચલર ઓફ શારીરિક શિક્ષણ અને રમતનો અભ્યાસ કરતી રેબેકા પઢીયારને કોલેજમાં રમત દરમિયાન ક્રિકેટ પ્રત્યે રૂચિ જાગી અને તેણે ક્રિકેટમાં કરિયર બનાવવાનું વિચાર્યું હતું. જેમાં તેને બેટિંગ કરતાં બોલિંગમાં સરળતા જણાઈ હોવાથી બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી ક્રિકેટની પ્રોફેશનલ તાલીમ લેવાનું શરૂ કર્યુ હતુ. મૂળ બનાસકાંઠાની અને નવસારીમાં રહેતી રેબેકા નવસારીની સ્પોર્ટ્સ એકેડમીમાં ત્રણ વર્ષોથી તાલીમ લઇ રહી છે. દરમિયાન ગત દિવસોમાં અમદાવાદ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર મહિલા ક્રિકેટરોની પસંદગી મેચમાં રેબેકાએ 7 ઓવરમાં ફક્ત 25 રન આપી, 4 વિકેટ ઝડપી હતી. પસંદગીની મેચમાં રેબેકાના ઉત્કૃષ્ટ દેખાવના કારણે એસોસિએશને તેની ગુજરાત સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરી છે. જોકે હાલ રેબેકા ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે પસંદ થઈ છે.
ભારત માટે રમવાની ઈચ્છા દર્શાવી
રેબેકા પઢીયાર રોજના 4 થી વધુ કલાક પ્રેક્ટિસ કરે છે જેમાં બેટિંગ કરતાં વધુ એને બોલીંગમાં રસ છે. ઓફ સ્પિન બોલિંગ રેબેકાને વધુ પસંદ છે જેથી ઓફ બ્રેક બોલર તરીકે રેબેકા ક્રિકેટમાં આગળ વધવા માંગે છે. ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા બાદ હવે રેબેકાનો ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ થવાનું સપનું છે. જેના માટે અત્યારથી જ તેણે તૈયારીઓ શરૂ કરી છે.
BCA કે GCA સાથે જોડાણ નહીં હોવાથી નવસારીના ક્રિકેટરોને ગુજરાતની ટીમમાં સ્થાન નથી મળતું
ઇટાળવા સ્થિત સ્પોર્ટ્સ એકેડમીના સંચાલક અને ક્રિકેટ કોચ કાંતી પટેલે રેબેકા પઢીયારની ગુજરાત સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે નવસારીના ક્રિકેટરોની સમસ્યા જણાવી કે, નવસારી ક્રિકેટ એસોસિએશનનું બરોડા ક્રિકેટ એસોસિએશન કે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે એફિલિએશન નથી. જેને કારણે નવસારીના ક્રિકેટરોની ગુજરાતની ટીમમાં પસંદગી નથી થતી અને તેમણે અન્ય રાજ્યમાંથી રમવું પડે છે. ગત વર્ષે નવસારીની પૂજા પટેલ અરૂણાચલ પ્રદેશની ટીમમાંથી રમી હતી. જ્યારે રેબેકા બનાસકાંઠામાં જન્મી હોવાથી તેમના પ્રમાણપત્રોને આધારે તેનું ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયુ છે જે નવસારી માટે ગૌરવની વાત છે.
નવસારીની ક્રિકેટ પ્રતિભાઓ ગુજરાત માટે ક્યારે રમશે..!
ગુજરાત સરકાર રાજ્યના ખેલાડીઓની રમત પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ લઈ જવા ખેલ મહાકુંભ યોજે છે. પરંતુ નવસારીની ક્રિકેટ પ્રતિભાઓને ગુજરાત માટે રમવા, GCAમાં એફિલિએશનનો અવરોધ ક્યારે દૂર થશે તે હવે જોવાનુ રહ્યું.