નવસારી: કોરોનાની જંગમાં સંક્રમણ અટકાવવા જાહેર લોક ડાઉનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને બંધ કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી શહેર અને જિલ્લામાં ફરતી અંદાજે 5 હજાર રીક્ષાઓના પૈડા પણ અટકી જતા, રોજનું કમાઈને ખાવાવાળા સેંકડો રીક્ષાવાળાઓની આર્થિક સ્થિતિ તંગ થવા સાથે જ ખાવાની પણ સમસ્યા ઉભી થઇ છે. પરંતુ સ્વાભિમાની રીક્ષાવાળો લોકો સામે હાથ લંબાવી શકતો ન હોવાની ફરિયાદ રીક્ષા એસોસિએશન દ્વારા કરાવામાં આવી હતી. સાથે જ સરકાર કે સામાજિક સંસ્થાઓ તેમના તરફ ધ્યાન આપે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી.
રીક્ષા ચાલકોની વેદનાને ઇટીવી ભારતે વાચા આપી હતી. જેને ધ્યાને લઇ નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શહેરના નગર શ્રેષ્ઠીઓના સહયોગથી નવસારીના 550 જરૂરિયાતમંદ રીક્ષાવાળાઓને શોધી તેમના ઘરે રાશન કીટ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી છે. જેમાં બુધવારે શહેરના લુન્સીકુઈ મેદાન ખાતે નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈ અને જિલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યા તેમજ નગર શ્રેષ્ઠીઓના હસ્તે ટોકન સ્વરૂપે 30 રાશન કીટ રીક્ષા ચાલકોને વિતરિત કરી હતી.
એક સમયે ટ્રાફિકના નિયમ તોડતા રીક્ષા ચાલકોને દંડ ફાટકારતી ટ્રાફિક પોલીસ અકારી લાગવા સાથે તેના પર રોષ પણ ઠાલવતા હતા. ત્યારે આજે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં એક સાચા મિત્રની જેમ ટ્રાફિક પીએસઆઇ એચ. એચ. રાઉલજી અને તેમની ટીમે નગર શ્રેષ્ઠીઓની મદદ મેળવી જરૂરિયાતમંદ રીક્ષા ચાલકોને સહાય કરતા તેઓ ગદગદ થયા હતા. પોતાની ખુશી વ્યક્ત કરવા સાથે જ તેમની વેદના સમાજ સુધી પહોંચાડવા બદલ ઇટીવી ભારતનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
કોરોનાએ જ્યારે સમાજના મોટાભાગના વર્ગોની હાલત કફોડી કરી છે, ત્યારે ટ્રાફિક પોલીસની રીક્ષા ચાલકો પ્રત્યેની સહાનુભૂતિ સરાહનીય છે.