નવસારી : જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે નવસારી શહેર અને જિલ્લામાં પડી રહેલા ધીમી ધારના વરસાદે સમગ્ર પંથકને પાણી પાણી કર્યું છે. જેને લઇને શાકભાજી માર્કેટ વિસ્તાર, જયશંકર પાર્ટી પ્લોટ રોડ, સિંધી કેમ્પ, ડેપો સ્ટેશન રોડ, ટીગરા રોડ વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. શાકભાજી માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ અને ગ્રાહકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.
ખેડૂતોમાં ખુશીની લાગણી : જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારતા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ચોમાસાની શરૂઆત થતા જિલ્લાના ચીખલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઇને ચીખલી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ હતી. ધીમીધારે વરસી રહેલા વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે.
નવસારી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ ખેડૂતો માટે અને ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતો માટે ઘણા સારા સમાચાર છે. આ વર્ષે ખેડૂતો ડાંગરનો પાક સારો લઈ શકશે.-- પિનાકીન પટેલ (ખેડૂત સમાજ પ્રમુખ)
સાર્વત્રિક વરસાદના આંકડા : નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના આંકડા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ જિલ્લામાં ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા આ મુજબ છે. જેમાં નવસારી 51 મિમી, જલાલપોર 46 મિમી, ગણદેવી 35 મીમી, ચીખલી 42 મિમી, ખેરગામ 4 મિમી અને વાંસદામાં 19 મીમી વરસાદ નોંધાયો છે.
જળબંબાકાર સ્થિતિ : દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદની વચ્ચે સિંચાઈ વિભાગ દ્વારા ગણદેવી તાલુકામાં આવેલા દેવદા ડેમના 40 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેને લઈને આસપાસના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.