- નવસારી-વિજલપોર શહેરનું ગટરનું દૂષિત પાણી શુદ્ધિકરણ વગર છોડાય છે પૂર્ણા નદીમાં
- વર્ષોથી એકધારૂ શાસન હાવ છતા દૂષિત પાણીના શુદ્ધિકરણ માટે પાલિકાનું દુર્લક્ષ
- પૂર્ણા નદીના કિનારે 75 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજના કાગળ પર
નવસારી: સંસ્કારી નગરી તરીકે જાણીતા નવસારી શહેરની ગટરો અને કંપનીઓમાંથી છોડાતું કેમિકલયુક્ત દૂષિત પાણી ખાડી મારફતે પૂર્ણા નદીમાં શુદ્ધિકરણ કર્યા વિના જ છોડાઈ રહ્યુ છે. જેને કારણે લોકમાતા પૂર્ણા નદી વર્ષોથી પ્રદૂષિત થઈ રહી છે. દૂષિત પાણીને નદીમાં જતું અટકાવવામાં નિષ્ફળ રહેલી પાલિકા 75 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની ગુલબાંગો મારી રહી છે. આમ છતા પણ 2 વર્ષથી એ કાગળ પર જ રહી છે.
કંપનીઓમાંથી છોડાતુ કેમિકલયુક્ત દૂષિત પાણી કરી રહ્યું છે પૂર્ણાને પ્રદૂષિત
ગાયકવાડી રાજ નવસારી પૂર્ણા નદીના કાંઠે વસેલું છે. વર્ષોથી શહેરનો વિસ્તાર વધતો જ રહ્યો છે. પરંતુ, નવસારી નગરપાલિકાના શાસકોએ શહેરના ગટરીયા દૂષિત પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ઊભી કરી નથી. જેના કારણે ગટરનું દૂષિત પાણી સીધુ પૂર્ણા નદીમાં ઠલવાઇ રહ્યું છે. બીજી તરફ શહેરમાં આવેલી કેમિકલ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓમાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી પણ શહેરમાંથી પસાર થતી ખાડીમાં છોડવામાં આવે છે. જે પણ સીધુ પૂર્ણા નદીમાં ભળી રહ્યુ છે. જેને કારણે નવસારીની જીવાદોરી સમાન પૂર્ણા નદી વર્ષોથી પ્રદૂષિત થઈ રહી છે.
આ પણ વાંચો: World Environment Day 2021 - આજે સમગ્ર વિશ્વ ઉજવશે પર્યાવરણ દિવસ
ભાજપી શાસકો નદીને પ્રદૂષિત થતી અટકાવી નથી શક્યા
નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં ન આવે એ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની યોજના પાલિકા વર્ષોથી બજેટમાં લેતી આવી છે. પરંતુ, આજદિન સુધી પ્લાન્ટ સાકાર થઇ શક્યો નથી. જેથી પાલિકાના શાસકોની કામગીરી સામે વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. 20થી 25 વર્ષનું એકધારૂ શાસન હોવા છતા, ભાજપી શાસકો નદીને પ્રદૂષિત થતી અટકાવી શક્યા નથી. જેથી વિશ્વ પર્યાવરણ દિન એમના માટે અપર્યાવરણ દિન છે. દૂષિત પાણી નદીમાં ભળવાને ને કારણે ભૂગર્ભ જળ પણ દુષીત થાય છે અને આ પાણી પીવાથી લોકો બીમાર પડી શકે છે. જેથી, પાલિકાના શાસકો દૂષિત પાણીને શુદ્ધ કરીને નદીમાં છોડે એવી અપેક્ષા દર્શાવી હતી.
GPCBની નોટીસને પણ પાલિકાએ ગંભીરતાથી ન લીધી
નવસારીની લોકમાતાને પ્રદૂષિત થતી અટકાવવા માટે કાર્યરત સેવા સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોને વારંવાર રજૂઆત કરાઇ છે. જેમાં ગત વર્ષોમાં GPCB દ્વારા પાલિકાને દૂષિત પાણીને શુદ્ધ કર્યા બાદ જ નદીમાં છોડવાની નોટિસ આપી હતી. જેમાં 3 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. પરંતુ, નવસારી પાલિકાએ નોટિસને પણ ગંભીરતાથી લીધી નથી અને GPCB દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો સેવા સંસ્થાના અધ્યક્ષ કરી રહ્યા છે.
સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને પ્રાથમિકતા સાથે પૂર્ણ કરવાનું આશ્વાસન
નવસારી પાલિકાને 2 વર્ષ અગાઉ નુડાના ગઠન બાદ વિરાવળ ગામે પૂર્ણા નદીના કાંઠે જમીન ફાળવાતા 75 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન થયુ હતુ. પરંતુ, કોરોના અને ત્યારબાદ પાલિકાનું હદવિસ્તરણ પ્લાન્ટ માટે બાધા રૂપ સાબિત થયું છે. જેમાં એક વાર ટેન્ડરિંગ થયું પણ કોઈ કારણસર ટેન્ડર ન મળતા હવે ફરી GUDC દ્વારા રીટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. જેથી કરોડોની યોજના 2 વર્ષથી કાગળ પર જ રહેવા પામી છે. જોકે, નવસારી-વિજલપોર નગરપાલિકાના નવા સાશકો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને પ્રાથમિકતા આપી વહેલો પૂર્ણ કરી પૂર્ણાને પ્રદૂષિત થતી અટકાવવાના પ્રયાસો કરવાનું આશ્વાસન શહેરીજનોને આપી રહ્યા છે. સાથે જ કેમિકલયુક્ત પાણી છોડતી કંપનીઓનો સર્વે કરી, તેમની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો: વીરાણીયા ગામે 18,000થી વધુ વૃક્ષો સાથે આકાર લઈ રહ્યું છે અર્બન ફોરેસ્ટ
પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાના પ્રયાસ
નવસારી શહેરમાં વિજલપોર અને 8 ગામ જોડાતા હવે પાલિકાનો વિસ્તાર પણ વધ્યો છે. ત્યારે, શહેરની પાણીની તકલીફ નિવારવા પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે, પાલિકા વહેલી તકે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્રિયાન્વિત કરે તો નદી પ્રદૂષિત થતી અટકે અને નવસારીજનોને શુદ્ધ પાણી મળી શકે.