નવસારી: કેન્દ્ર સરકારે હિટ એન્ડ રન ગુનામાં નવી જોગવાઈ જાહેર કરવામાં આવી છે. જેમાં વાહન અકસ્માતના ગુનામાં વાહનના ડ્રાઈવરને 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. જેના પડઘા નવસારીમાં પણ પડ્યા હતા.
વિરોધને પગલે ટ્રાફિક જામ: બે હજારથી વધુ ટ્રક ચાલકોએ ચીખલી ખાતે ભેગા થઈને ચીખલી વાંસદા હાઈવે બંધ કરતાં મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થયો હતો. જેને લઈને મોટી સંખ્યામાં લોકો હાઇવે પર ફસાયા હતા. પરંતુ ચીખલી અને વાંસદા પોલીસ દ્વારા ટ્રાફિક જામને તાત્કાલિક હળવું કરવામાં આવ્યું હતું. ચક્કાજામ કરનારા ડ્રાઇવરોની માંગ છે કે જ્યાં સુધી સરકાર આ કાયદો રદ નહીં કરે ત્યાં સુધી અમે સતત આંદોલન કરતા રહીશું.
સમગ્ર મામલે ચીખલીના ટ્રક ડ્રાઇવર ધર્મેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ સરકારે જે આ નવા કાયદાનું ગઠન કર્યું છે તે ટ્રક ચાલકો માટે ઘણુ મુશ્કેલ સાબિત થશે. તેથી સરકારને અમારી નમ્ર રજૂઆત છે કે આ કાયદાની અમલવારી થાય તો ટ્રક ચાલકોના માથે મોટું સંકટ આવશે. ટ્રક ચાલકો અને માલિકોએ વ્યવસાય બંધ કરવાનો વારો આવશે. અમારી રોજગારી છીનવાઈ જશે.
હાઇવે ઉપર વાહનોને ચલાવવા માટે ત્રણ લાઈનો કરવામાં આવી છે. તેમાં મુખ્ય લાઈન પર મોટા વાહનો ચાલવાના કારણે અકસ્માતોના ગંભીર બનાવો બનતા હોય છે જેને લઈને સરકારે બે જવાબદારી ભર્યા કૃત્ય બદલ તેમને દંડ કરવા હેતુસર નવો કાયદો ઘડ્યો છે. જેને લઇને ડ્રાઇવરો સરકાર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.