- ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં આવ્યા વિદ્યાર્થીઓ
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શાળાએ વિદ્યાર્થીઓને આવકાર્યા
- નવસારીમાં પ્રથમ દિવસે 21,862 વિદ્યાર્થીઓ શાળાએ નોંધાવી હાજરી
નવસારી : કોરોનાને કારણે શાળાઓ બંધ થતા શિક્ષણ ઓનલાઈન થયુ હતુ. પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો થતા સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરી છે. જેમાં ગુરુવાર ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવી છે. નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રથમ દિવસે જ 21,862 વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળાના ઑફ લાઇન શિક્ષણમાં જોડાયા હતા.
નવસારીમાં ધોરણ 6 થી 8 માં કુલ 34,824 વિદ્યાર્થીઓ નોંધાયા
કોરોનાને કારણે દોઢ વર્ષથી શિક્ષણ કાર્ય બંધ હતુ. જોકે 10 મહિના બાદ સરકારે તબકકવાર શિક્ષણ શરૂ કર્યુ હતુ, પરંતુ કોરોનાની બીજી લહેર શરૂ થતા ફરી શાળાઓ બંધ અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રહ્યુ હતુ. હવે જ્યારે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, સરકારે તબક્કાવાર ધોરણ 12 બાદ ધોરણ 9 થી 11 અને ગુરુવારથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કર્યા છે. જેમાં નવસારી જિલ્લાની સરકારી અને ખાનગી બંને મળી કુલ 409 પ્રાથમિક શાળાઓમાં નોંધાયેલા 34,824 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ દિવસે 21,862 વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યા હતા. જેમને શાળાના શિક્ષકોએ પણ વ્હાલથી અને કોરોનાની ગાઈડલાઈન સાથે આવકાર્યા હતા.
આ પણ વાંચો : દુબઈથી અમદાવાદ આવેલો આફ્રિકન નાગરિક 6 કરોડના કોકેઈન સાથે એરપોર્ટ પરથી ઝડપાયો
શાળાઓ શરૂ થઈ પણ કોરોનાની બીકે મધ્યાહન ભોજન બંધ
નવસારીમાં ગુરુવારથી સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ છે. જિલ્લાની શાળાઓમાં મુંબઈની નાયક ફાઉન્ડેશન દ્વારા બાળકોને મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે, પરંતુ કોરોનાને કારણે સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન હજી શરૂ થયુ નથી. હાલમાં બાળકોએ ઘરેથી જ ટિફિન અને પાણી પણ લાવવાનું રહેશે. સરકારની અન્ય ગાઈડલાઈન જ્યાં સુધી ન આવે, ત્યાં સુધી મધ્યાહન ભોજન શરૂ નહીં થાય.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં રહસ્યમય બિમારીનો આંતક, 80 લોકોનો લીધો ભરડો