- 'મોદીજીને સથવારો, ગણદેવીનું અહિત કરનારાઓને આપો જાકારો'ના લાગ્યા પોસ્ટરો
- ગણદેવીમાં 4 સ્થળોએ ભાજપથી નારાજ લોકોએ પોસ્ટરો દ્વારા ઠાલવ્યો રોષ
- પોસ્ટરોની જાણ થતા ભાજપ અગ્રણીઓએ તાત્કાલિક હટાવડાવ્યા
નવસારી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ચૂંટણીને લઇને રાજકારણીઓની સાથે સાથે તેમના વિરોધીઓ પણ એક્ટિવ થઈ ગયા છે. ગણદેવીમાં આજે નવા ફાયર સ્ટેશનનું લોકાર્પણ હતું, પરંતુ તે પહેલા જ શહેરમાં 4 અલગ-અલગ જગ્યાઓએ 'મોદીજીને સથવારો, ગણદેવીનું અહિત કરનારાઓને આપો જાકારો' લખેલા પોસ્ટરોએ ભાજપનાં કાર્યકર્તાઓને દોડતા કર્યા હતાં. જેમણે પોસ્ટરોને તાત્કાલિક ઉતરાવી દીધા હતા. પોસ્ટર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે તેને કોંગ્રેસનું કારસ્તાન ગણાવ્યું હતું.
ગણદેવી પાલિકાની ચૂંટણી ટાણે લાગેલા પોસ્ટરો, પાલિકાના કામો સામે સવાલ!
ગણદેવી નગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગતા જ ભાજપ અને કોંગ્રેસ બન્ને એક્ટિવ થયા છે. ગણદેવી પાલિકાની ચૂંટણીમાં વિપક્ષ પણ એટલો જ મહત્વનો રહે છે. જોકે, ગઈ ટર્મમાં ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યુ હતુ, પરંતુ વિતેલા પાંચ વર્ષોમાં પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલી કામગીરી ચર્ચાઓમાં રહી છે. ત્યારે ગુરૂવારે ગણદેવી પાલિકાના લાખોના ખર્ચે તૈયાર ફાયર સ્ટેશનના લોકાર્પણની પૂર્વ રાત્રીએ ગણદેવી નગરપાલિકા સામે, એસટી ડેપો પાસે, ટાંક ફળીયા જાહેર માર્ગ પર અને સરદાર પટેલ ચોક પાસે અજાણ્યા લોકોએ ગણદેવીનું અહિત કરનારાઓને જાકારો આપવાની વાત સાથે પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરોમાં "મોદીજીને છે આપણો સથવારો, પણ ગણદેવીનું અહિત કરનારાઓને આપીશું જાકારો, બસ હવે તો ગુણવત્તાવાળો જ વિકાસ" લખવામાં આવ્યું હતું. આ પોસ્ટરો ગુરૂવારે સવારે લોકોની નજરે ચડતા જ ચર્ચામાં આવ્યા હતા. પક્ષમાંથી જ કોઇકે પોતાનો અસંતોષ જાહેર કર્યો હોવા સાથે શહેર વિકાસના કામોની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હોવાની વાતો પણ વહેતી થઇ હતી. જોકે, પોસ્ટરોની જાણ ભાજપી આગેવાનોને થતા દોડતા થયા હતા અને પોસ્ટરોને ઉતરાવી લેવાયા હતા, પરંતુ એ પહેલાં જ પોસ્ટરોનાં ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ચૂક્યાં હતા.

વોર્ડ બેઠકમાં ઉમેદવારોની પસંદગી વોર્ડમાંથી જ કરવાની ભાજપીઓની રજૂઆત
ઉલ્લેખનિય છે કે, ભાજપ દ્વારા પાલિકાની ચૂંટણીને લઇને ચુંટણી પ્રભારીઓ અને આગેવાનો સાથે પાલિકાના તમામ વોર્ડમાં બેઠકો કરી છે. જેમાં પણ ભાજપી કાર્યકરોએ આગેવાનો સામે રોષ ઠાલવ્યો હતો. આ સાથે જે-તે વોર્ડમાંથી જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી. ત્યારે આજની પોસ્ટર વૉર ભાજપ સામે ભાજપની જ લડાઇ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી હતી. ભાજપનાં કાર્યકર્તાઓએ પોસ્ટરો લગાવનારા એક શંકાસ્પદ શખ્સને પણ ધમકાવ્યો હોવાની વાતો ઉડી હતી. ત્યારે ભાજપીઓ જ ભાજપ સામે પાછલા બારણે બાંયો ચઢાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
કાર્યકરોમાં મતભેદ હોય તો પણ વિરોધના પોસ્ટર નહી લગાવે, કોંગ્રેસનું કૃત્ય – ભાજપ પ્રમુખ
નવસારી જિલ્લાનાં ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે આ અંગે જણાવ્યું કે, અમે પોસ્ટર પ્રકરણમાં તપાસ કરાવી છે. જેમાં કોઈક કોંગ્રેસીએ પોસ્ટર લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમારા પક્ષના સંનિષ્ઠ કાર્યકરો મતભેદ હોય તો પણ વિરોધનાં પોસ્ટર નહી લગાવે. જયારે, જે તે વોર્ડમાંથી જ સક્ષમ અને સારા ઉમેદવાર શોધીને સર્વ સંમતિથી ટિકિટ અપાશે.