- વધુ અવાજવાળા સાયલેન્સર લગાવી ન્યૂસન્સ ફેલાવનારાઓ સામે પોલીસની લાલ આંખ
- ભીડવાળા વિસ્તારોમાં ધૂમ સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચતા ટિનેજરો સામે કાર્યવાહી
- પોલીસે બુલેટ ડિટેન કરી ચાલકોને ફટકાર્યો દંડ
- ધ્યાન આકર્ષિત કરવા બુલેટમાં લગાવે છે મોડિફાય સાયલેન્સર
નવસારીઃ ટીનેજર અને યુવાનોમાં બાઈકને લઈને ઘણો ક્રેઝ જોવા મળે છે. અન્યથી અલગ તરી આવવા મોડિફાય બાઈક અથવા લાખો રૂપિયાની બાઈક કે બુલેટ લેતા પણ ખચકાતા નથી. આવા યુવકો રસ્તા પર ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારી ધ્વની પ્રદૂષણ કરવાની સાથે સાથે જ નજીકમાંથી પસાર થતા અન્ય વાહનચાલકનું ધ્યાન ભટકાવતા હોય છે. આથી અકસ્માતો પણ થાય છે.
![વધુ અવાજવાળા સાયલેન્સર લગાવી ન્યૂસન્સ ફેલાવનારાઓ સામે પોલીસની લાલ આંખ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10607094_bullet_a_gj10031.jpg)
વધુ વડતા અવાજથી બાળકોને સાંભળવામાં તકલીફ પડી શકે છે
વધુ પડતો અવાજ કરતા સાયલેન્સરનો સાંભળવાની ક્ષમતા કરતા વધુ પડતા ડેસિમલનો અવાજ કરે છે, જે નાના બાળકોમાં બહેરાશ પણ લાવી શકે છે. વધુ પડતો અવાજ કરતા સાયલેન્સર લગાવીને લોકોનું ધ્યાન ખેંચવા ધૂમ સ્ટાઈલમાં બુલેટ ભગાવતા ટિનેજરો અને યુવાનોને પકડી પોલીસે 70 બુલેટચાલકો સામે કાર્યવાહી કરી છે.
![પોલીસે બુલેટ ડિટેન કરી ચાલકોને ફટકાર્યો દંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10607094_bullet_b_gj10031.jpg)
આ તમામ બુલેટચાલકો શહેરમાં ધ્વની પ્રદૂષણ ફેલાવતા હતા
ટ્રાફિક પોલીસ અને જિલ્લા પોલીસના તમામ પોલીસમથકોએ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વધુ અવાજ કરતા સાયલન્સર લગાવી ધ્વની પ્રદૂષણ ઊભું કરી ન્યુશન્સ ફેલાવતા 70 બુલેટચાલક સામે પોલીસે લાલ આંખ કરી છે. આમાં ટ્રાફિક પોલીસે 21 બાઈક, જલાલપોરમાં 8, નવસારીમાં 7, ચીખલીમાં 10, મારોલીમાં 11, વિજલપોરમાં 2, નવસારી ગ્રામ્યમાં 4, બીલીમોરા-ધોલાઈ મરિનમાં 6 અને વાંસદામાં 1 બુલેટ ડિટેન કરી આરટીઓ મેમો આપી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.