- દૂષિત અને દુર્ગંધવાળું પાણીના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત
- 2 મહિના અગાઉ પણ દૂષિત પાણીને કારણે 8 થી વધુ લોકો થયા હતા બીમાર
- શહેરને સ્વચ્છ રાખતા પાલિકાના સફાઇ કામદારોના વિસ્તારમાં જ જીવાતવાળું પાણી
નવસારી: નવસારી શહેરના ઘણા વિસ્તારોમાં લાંબા સમયથી દૂષિત અથવા ઓછા દબાણે પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે નવી પાઇપ લાઇન નાખી હોવા છતાં, શહેરના ઘણા વિસ્તારોમાં ડહોળુ અને જીવાતવાળું પાણી આવતું બંધ નથી થયુ. શહેરને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરતાં સફાઈ કામદારોના વિસ્તારમાં જ જીવાતવાળું અને દુર્ગંધ મારતું પાણી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળતું હોવાની ફરિયાદ
નવસારી શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે પાલિકાએ ભૂતકાળમાં કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે. જેમાં પણ શહેરની ગાયકવાડી રાજની પાણીની પાઈપ લાઈન બદલીને કરોડો રૂપિયાના ખર્ચે નવી લાઇન નાખવામાં આવી છે. તેમ છતાં શહેરમાં છાસવારે લોકોના ઘરે દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ રહે છે. નવસારીના ફુવારા નજીક ઠક્કરબાપાવાસમાં પણ થોડા દિવસોથી દુર્ગંધ મારતું અને જીવાતવાળુ પાણી આવતા લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ છે. આ સાથે જ દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત જોવાઇ રહી છે. 2 મહિના અગાઉ પણ આ જ વિસ્તારમાં દૂષિત અને દુર્ગંધવાળા પાણીને કારણે 8થી વધુ લોકો ઝાડા-ઊલટીના ભોગ બન્યા હતા. જેથી પાલિકા વહેલી તકે સમસ્યાનું સમાધાન કરે તેવી લાગણી ફેલાઇ છે.
સેવાકીય કામ હોવાથી આવી સમસ્યાઓ આવતી રહે છે - પાલિકા પ્રમુખ
સમગ્ર મુદ્દે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખે શહેરમાં પાણીની કોઇ મોટી સમસ્યા ન હોવાનું જણાવી, ટેકનીકલ ખામીને કારણે ક્યાંય પણ પાઈપ લાઈનમાં ભંગાણ પડતા પાણી ભળતુ હોય છે, જેથી તાત્કાલિક ફોલ્ટ શોધીને સમારકામ કરાવી લેવાની બાંગ ફૂંકી હતી. પરંતુ સાંજ સુધીમાં પાલિકાકર્મીઓ ફોલ્ટ શોધી શક્યા ન હતા. આ સાથે જ પ્રમુખે વિસ્તારમાં રોગચાળો ન ફેલાય એ માટે ક્લોરીનેશન તેમજ સફાઇની કામગીરી કરાવવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: કલોલમાં રોગચાળો વધતા 10 હજારની વસતી ધરાવતા પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
શહેરનો વિસ્તાર વધતા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું પાલિકા માટે ચેલેન્જ
નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વર્ષોથી દૂષિત અને ડોહળુ પાણી આવવાની સમસ્યા સાથે ઓછા દબાણે પાણી આવવાની ફરિયાદો ઉઠતી રહી છે. તેમાં પણ હવે નવસારી સાથે વિજલપોર અને 8 ગામડાઓ જોડાતા શહેરનો વિસ્તાર વધ્યો છે, ત્યારે પાલિકા લોકોને શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા માટે કેવા પ્રયાસો કરે છે એ જોવું રહ્યુ.