નવસારી: નવસારી જિલ્લાની સાથે જ ઉપરવાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે લોકમાતાઓ બંને કાંઠે વહેતી થતાં કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની હતી. જેમાં નવસારી અને સુરતની સરહદે આવેલી મીંઢોળા નદીમાં મંગળવારે વહેલી સવારે 3:30 વાગ્યે અચાનક જળ સપાટીમાં વધારો થયો હતો.
નવસારીના જલાલપોર તાલુકાના પોંસરા ગામે આવેલ ખાનગી ફાર્મ હાઉસમાં રહેતો પોંકિયા પરિવાર પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયો હતો. અચાનક પાણી વધતા દંપતી અને તેમની દીકરી ઘરના ધાબે ચઢી ગયા હતા અને ફાર્મમાં રાખેલા નાના-મોટા 14 ઢોરોને બચાવવા છોડી મુક્યા હતા. બાદમાં પોંકિયા પરિવારે ફાર્મ હાઉસમાં માલિક સહિત અન્યોને મદદ માટે ફોન કર્યા હતા. જેની માહિતી મળતા જ નવસારી જિલ્લા તંત્ર એનડીઆરએફની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યું હતું.
જ્યાં 16 કલાકોથી ફસાયેલા માતા-પિતા, તેમની દીકરી અને એક નવજાત વાછરડીને એનડીઆરએફની ટીમે બોટ મારફતે રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર લાવી હતી. 16 કલાક ભૂખ્યા તરસ્યા પાણી વચ્ચે રહ્યા બાદ બહાર આવેલા પોંકિયા પરિવારે એનડીઆરએફની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.