નવસારી: ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 300ને પાર ગઈ છે. ત્યારે કોરોના વાઈરસને હરાવવા માટે લોક જાગૃતિ સાથે જ શરીરની સફાઈ જ રામબાણ ઉપાય છે. કોરોનાની વકરતી સ્થિતિને લઇ છુપા ડર સાથે જાગરૂકતા પણ વધી છે. જેને કારણે સોસાયટીઓ અને ગામડાઓ લોક ડાઉન થઈ રહ્યા છે. પરંતુ હજી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકો ઘર બહાર નીકળવા મજબૂર છે, ત્યારે તેમની સ્વયંમ શિસ્ત અને સ્વચ્છતા તેમને કોરોનાથી બચાવી શકે એમ છે.
આ વિચારને ધ્યાને લઇ નવસારી જિલ્લાના વિજલપોર શહેરના ચંદનવન સોસાયટીમાં રહેતા નિકુંજ કુકડીયા, રાકેશ મિસ્ત્રી, કેતન પટેલ, જયંતી પટેલ સહિતના યુવાનોને આવેલા વિચારે બોડી સેનેટાઇઝર મશીન બનાવડાવવાની તૈયારી કરી હતી. પરંતુ 30 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ જણાતા થોડા નિરાશ થયા હતા. બાદમાં યુવાનોએ પોતાની સ્કિલનો ઉપયોગ કરી જાતે જ ગણપતિ સમયના કાટમાળમાંથી બોડી સેનેટાઇઝર કેબીન બનાવી હતી. જેનો ખર્ચો નજીવો જ રહ્યો હતો. ખાસ કરીને યુવાનોએ તંત્રની મદદથી ડીસ ઇન્ફેકટ લિકવીડ મેળવવામાં સફળતા મેળવી સોસાયટીવાસીઓ માટે બોડી સેનેટાઇઝર મશીન કાર્યરત કર્યું છે.
બોડી સેનેટાઇઝર બનાવનાર નિકુંજ કુકડીયાએ જણાવ્યું કે અમે સોસાયટીમાં બોડી સેનેટાઇઝર મૂકવાના વિચાર સાથે તેને બનાવડાવવા ગયા હતા. પરંતુ અંદાજે 30 હજાર રૂપિયા કહેતા, એટલું મોટું બજેટ ન હતું. જેથી બાદમાં અમે અમારી જાતે જ આગેવાનોની મદદથી બજાર ભાવના 50 ટકા કરતા ઓછા ખર્ચે બોડી સેનેટાઇઝર તૈયાર કર્યા છે. જેથી લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય.
વિજલપોર પાલિકાના પ્રમુખ જગદીશ મોદીએ કહ્યું કે, હું જે સોસાયટીમાં રહુ છું, એજ ચંદનવન સોસાયટીના યુવાનોએ ઓછા ખર્ચે બોડી સેનેટાઇઝર બનાવ્યું છે, જે ગૌરવની વાત છે. અમે વિજલપોર પાલિકા તરફથી પણ આવા સેનેટાઇઝર શહેરના મુખ્ય સ્થળોએ મુકવાનું વિચારી રહ્યા છે. જેમાં બે બોડી સેનેટાઇઝર મશીન બની રહ્યા છે, જેને શિવાજી ચોક અને વિજલપોર પોલીસ મથકે વિચારણા હેઠળ છે.