નવસારીઃ જિલ્લામાં કોરોનાએ ગત 21 એપ્રિલના રોજ પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ નવ દિવસમાં જ નવસારીમાં કોરોનાના 7 દર્દીઓ નોંધાયા હતા. જેમાં ગત 29 એપ્રિલે ચીખલી તાલુકામાંથી એકસાથે ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા હતા, જેમાંથી ટાંકલની પ્રસુતા રશ્મિ પટેલલે કોરોનાને હરાવતા તેને સ્વસ્થ નવજાત સાથે બે દિવસ અગાઉ રજા આપવામાં આવી હતી.
જયારે ડુંગરીના હોમગાર્ડને તપસ્યા બાદ કોરોના પોઝીટીવ આવેલા ચીખલીના ફડવેલ ગામના ડૉ. ધનસુખ પટેલનો કોવીડ-19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોનાનો બીજો અને ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો, જેની સાથે જ મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા હોમગાર્ડ અને ચીખલીના ઘેકટી ગામના દેવાંગ પટેલ પણ કોરોના નેગેટીવ આવતા આજે શનિવારે કોવીડ-19 યશફીન હોસ્પિટલમાંથી બંનેને રજા આપવામાં આવી હતી.
જેમાં દેવાંગને પોલીસ લેવા પહોંચી હતી અને હોમગાર્ડસના સાથી મિત્રોએ પુષ્પ વર્ષા કરી પોતાના જવાનને આવકાર્યો હતો. જ્યારે હોસ્પિટલ સ્ટાફે બંને કોરોના યોદ્ધાઓને તાળીઓનાં નાદ સાથે વધાવ્યા હતા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ બંને કોરોના યોદ્ધાઓએ ગૌરવની લાગણી સાથે ડોકટરો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.