નવસારી : નેશનલ હાઇ વે નંબર 48 પર નવસારીના ગ્રીડ નજીકથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે પકડેલા ટેમ્પોમાં ચોરખાનામાં છૂપાવીને લઇ જવાતા 2.98 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી.
નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ નેશનલ હાઇ વે નંબર 48 પર શનિવારે રાત્રે પેટ્રોલિંગ પર હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, 407 ટેમ્પોમાં વિદેશી દારૂ સુરતના પલસાણા તરફ જઇ રહ્યો છે. જેને આધારે પોલીસે હાઇ વે પર નવસારીના ગ્રીડ નજીક ફિલ્ડીંગ ગોઠવી હતી. જે દરમિયાન બાતામીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા પોલીસ ચોંકી ગઈ હતી. કારણ કે, ટેમ્પોમાં દારૂ જણાયો ન હતો.
જે બાદ પોલીસે વ્યવસ્થિત રીતે તપાસ કરતા ટેમ્પોની સર્ફેસ નીચે બનાવેલા મોટા ચોરખાનામાં વિદેશી દારૂની બોટલ્સ ગોઠવી હતી. દારૂની બોટલ્સને બહાર કાઢી તપાસતા 2,98,800 રૂપિયાનો વિદેશી દારૂ કુલ 864 બોટલ્સ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામે વાઘચ ફળિયામાં રહેતા અજય રામજી નાયકા(23)ની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 6 લાખ રૂપિયાનો ટેમ્પો અને 500 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 8.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.