- સાલેજ ગામમાં વર્ષોથી ફરજ બજાવતા ડૉક્ટરનું રોડ અકસ્માતમાં મોત
- ડૉક્ટર પરિવારના દુઃખમાં આખુ ગામ સહભાગી
- ગામના આગેવાનો ડૉ. પાટીલના મૃતદેહને વતન પહોંચાડવા પરિવારની મદદ કરશે
નવસારી : માયા તલાવડી પાસે પુર ઝડપે આવી રહેલા એક ડમ્પરે સાલેજ ગામના ડૉક્ટરને અડફેટે લીધો હતો. આ અકસ્માતની ઘટનામાં ડૉક્ટરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જે બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.
અકસ્માતમાં ડૉક્ટરનું ઘટના સ્થળે જ મોત
ગણદેવી તાલુકાના સાલેજ ગામે રહેતા અને મુળ નંદુરબારના ડૉ. હરિલાલ પાટીલ સાલેજમાં જ છેલ્લા 18 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. જેમને શનિવારે પોતના કોઇ કામેથી નવસારી તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન ગણદેવી-નવસારી રોડ પર માયા તલાવડી ગામ નજીકના વળાંક પર પુર ઝડપે કાળ બની આવી રહેલા ડમ્પરે ડૉ. હરિલાલને ટક્કર મારી હતી. જેમાં હરિલાલ રસ્તા પર પટકાયા બાદ તેમના માથામાં ગંભીર ઈજાઓ થતા સાથે તેમને થોડા મીટર ઘસડાયા પણ હતા. જેમાં ખોપડી ફાટી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જ્યારે અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પરને ઘટના સ્થળે છોડીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સાથે જ ગણદેવી પોલીસ પણ પહોંચી હતી. પોલીસે મૃતક ડૉક્ટરના મૃતદેહને પોસ્ચમોર્ટમ અર્થે ગણદેવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ડમ્પર ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પરિવારની પડખે ઉભું રહ્યું સાલેજ ગામ
18 વર્ષથી સાલેજ ગામમાં રહેતા ડૉ. હરિલાલ પાટીલના મોત બાદ આઘાતમાં સારી પડેલી તેમની પત્ની અને બે બાળકોને ગ્રામજનોએ સંભાળ્યા હતા. આ સાથે જ પોસ્ચમોર્ટમ બાદ ડૉ. પાટીલના મૃતદેહને તેમના વતન નંદુરબાર પહોંચાડવા માટેની વ્યવસ્થા ગામ આગેવાનોએ કરી આપી છે. તેમજ ગામના આગેવાનો પણ પરિવાર સાથે નંદુરબાર જવા રવાના થયા હતા.