નવસારી : નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ રાત્રિ દરમિયાન ધમાકેદાર બેટિંગ કરી જિલ્લામાં વરસાદી માહોલ જામતા સમગ્ર વાતાવરણમાં ઠંડક થશે ડાંગર અને શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે જીવંત દાનરૂપી વરસાદ કહી શકાય છે. નવસારી શહેરમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.
બે કલાક વરસ્યો વરસાદ : નવસારીમાં ગત દિવસોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સમગ્ર શહેરને જળબંબાકારની સ્થિતિમાં મૂકી દીધું હતું પરંતુ લાંબા સમય સુધી વરસાદે વિરામ લીધો હતો જેને લઈને નવસારી શહેરમાં ઉકળાટનો માહોલ ઊભો થયો હતો, પરંતુ લાંબા સમય બાદ ફરી નવસારી શહેરમાં રાત્રે દરમિયાન વાતાવરણમાં પલટો આવતા બે કલાકથી વધુ સમય માટે વરસાદ વરસ્યો હતો.
આશરે ત્રણ ઇંચ વરસાદ : નવસારીના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જેમાં વાંસદા તાલુકામાં ત્રણ ઇંચ ચીખલી અને ખેરગામ તાલુકામાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો .જેને લઈને સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી હતી તેમાં પણ ખાસ કરીને નવસારી શહેરી વિસ્તારમાં રહેતા લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે.
ડાંગર અને શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે આ વરસાદ જીવંત દાનરૂપ સાબિત થયો છે કારણ કે શેરડી અને ડાંગરની રોપણી કર્યા બાદ લાંબા સમય સુધી વરસાદ ના આવતા ખેડૂતો અને પાકને નુકસાન થવાની સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ હતું પરંતુ હવે ગતરોજ પડેલા વરસાદને કારણે ખેડૂતો માટે આનંદના સમાચાર છે.... પિનાકીન પટેલ (ખેડૂત)
ડાંગર અને શેરડી પાકને લાભ : નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શેરડી અને ડાંગરની ખેતી કરતા માટે પણ આ વરસાદ જીવનદાન રૂપ સાબિત થયો છે. જેથી ડાંગર અને શેરડીની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ આપ્યો છે.