- પોલીસ કોન્સ્ટેબલ ડ્યૂટી પર ન હોવા છતાં રાહદારીઓને અટકાવીને કરતો હતો હેરાન
- કોન્સ્ટેબલથી કંટાળેલા યુવાને મોબાઈલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
- પોલીસ જવાનનો નશામાં હોવાનો વીડિયો વાયરલ થતાં કરાયો સસ્પેન્ડ
નવસારીઃ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ ઓન ડ્યૂટી ન હોવા છતાં દારૂના નશામાં રાહદારીઓને હેરાન કરતો હોવાનો વીડિયો હાલ સોશિયસ મીડિયામાં વાયરલ થયો છે. નવસારી પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ કાશીનાથ ચૌધરી દારૂના નશામાં નવસારીમાં પેટ્રોલ પંપ નજીક ઉભો રહી આવતા-જતા રાહદારીઓને અટકાવી તેમને હેરાન કરતો હતો. કોન્સ્ટેબલ મહેશ પોલીસ યુનિફોર્મમાં પણ ન હતો અને તે ફરજ પર પણ ન હતો, તેમ છતાં વાહનચાલકોને અટકાવી તેમની સામે કાર્યવાહી કરવાની ધમકી આપી લોકોને હેરાન કરતો હતો.
આ પણ વાંચોઃ વાપીની અદિત હોસ્પિટલમાં ડોક્ટરની પત્નિનો બિલ બાબતે વીડિયો વાયરલ, પહેલા પૈસા ભરો પછી પેશન્ટને લઈ જાઓ
યુવકે મોબાઇલમાં વીડિયો બનાવ્યો
કોન્સ્ટેબલ મહેશથી કંટાળેલા અજાણ્યા યુવાને તેના મોબાઇલ ફોનમાં મહેશની કનડગતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં મહેશ ફરજ પર ન હોવા છતાં તેમની પાસે દંડના નામે રૂપિયા માંગતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારી સાથે પણ ફરજ દરમિયાન કર્યુ હતું ઉદ્ધત્તાઈભર્યુ વર્તન
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો નવસારી જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યો હતો. દરમિયાન ગત 28-29 મેની રાતે પણ કોન્સ્ટેબલ મહેશ ચૌધરીની ઇટાળવાના પોઈન્ટ ઉપર નોકરી હતી, જ્યાં તે મોડો પહોંચ્યો હતો અને તેના સિનિયર અધિકારી સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી કઈપણ જણાવ્યા વગર ત્યાંથી જતો રહ્યો હતો. જેની પણ ફરિયાદ જિલ્લા પોલીસ વડાને મળી હતી. જેથી સિનિયર અધિકારી સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન અને નશાની હાલતમાં વાયરલ થયેલો વીડિયો જોતા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયએ આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ મહેશ ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યો હતો.
આ પણ વાંચોઃ પંચમહાલના ગોધરા તાલુકામાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી લગ્નમાં નાચ્યા હોવાનો વિડિયો વાયરલ થયો