નવસારી : નવસારીમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે તાલુકાની કાવેરી નદીમાં નવા નીરની આવક વધતા નદી બે કાંઠે વહેતી થઈ છે. તેના કારણે વધતી જતી પાણીની આવકને લઇ કોઝવે પાણીમાં ડૂબ્યો છે.
નવા નીરની આવક : નવસારી જિલ્લા સહિત ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓમાં નવા નીરની આવક થઈ છે. પાણીની આવક વધતાં નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ખેડૂતોની જીવાદોરી ગણાતી કાવેરી નદીમાં પાણીની આવક વધતા 19 ગામના ખેડૂતો માટે પણ સિંચાઈનું પાણી પૂરું પડશે.
કોઝવે પરથી પાણી ફરી વળ્યાં : ચીખલીની ગામના કાવેરી નદીના પાણી વધતા રિવર ફ્રન્ટ નજીક આવેલ કોઝવે પરથી પાણી ફરી વળતા સ્થાનિકોને નદી કિનારાથી દૂર રહેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. તેમ છતાં સ્થાનિક યુવાનો માછીમારી કરતાં જોવા મળ્યાં હતાં. જ્યારે જિલ્લામાં 12 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થતા નવસારી, જલાલપોર અને ગણદેવીમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
અતિભારે વરસાદની શક્યતા : હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને જારી કરાયું છે. 30 જુન સુધી અતિ ભારે વરસાદની આગાહી હવામાનવિભાગ દ્વારા કરવામાં આવેલી છે. ત્યારે પૂર કે અન્ય કોઈ પરિસ્થિતિના સર્જાય તો બચાવ કામગીરી માટે એનડીઆરએફની 22 જવાનોની ટુકડી નવસારી ખાતે હાજર રાખવામાં આવી છે જે જરૂર જણાય ત્યાં વરસાદ દરમિયાન જો કપરી પરિસ્થિતિ સર્જાય તો રેસ્ક્યુ કરવા દોડી જશે.
સાર્વત્રિક વરસાદ : નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં વીતેલા 24 કલાકમાં છ તાલુકામાં એક થી છ ઇંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં વરસાદી પાણી ખાબક્યું છે. ત્યારે હાલ નવસારી જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. અન્ય તાલુકાઓમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં અપાયેલા વરસાદના ઓરેન્જ એલર્ટને પગલે તંત્ર પણ એલર્ટ છે . ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લાની નદીઓની સ્થિતિ પર સતત વોચ રાખીને નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અવિરત વરસતા વરસાદના પગલે નવસારી જિલ્લાની લોકમાતાઓ નવા નીરની આવક સાથે બે કાંઠે વહેતી જોવા મળી છે. ત્યારે નદીકાંઠાનો નજારો માણવાનો લોકો પણ લહાવો લઇ રહ્યાં છે.