નવસારીઃ આ વર્ષે ડિસેમ્બર મહિનાથી સમયાંતરે પડી રહેલા કમોસમી માવઠાના મારથી કેરી અને શાકભાજી પાકોને તો નુકસાન થયું છે. કાજુની ખેતી કરતા વાસદા તાલુકાના ખેડૂત પણ માવઠાની મારથી બાકાત રહી શક્યા નથી. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ખેડૂતો પોતાના પાકને લઈને એક વ્યથા ઠાલવી રહ્યા છે. જોકે, ખેડૂતોને પણ સરકાર તરફથી આર્થિક રાહત મળી રહે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
"60 થી 70 કાજુના ઝાડ છે. જેના પર ફુલ આવવાની સાથે ફળ પણ તૈયાર થઈ ગયા હતા. આ વર્ષે પાક પણ સારો ઉતરવાની આશા હતી, પરંતુ કમોસમી માવઠાને કારણે ટી- મોસ્કિટો નામની જીવાતનો ઉપદ્રવ અને માવઠા બાદ વધુ પડતા સન સ્ટ્રોકના કારણે તૈયાર થયેલા ફળપાકનું ખરણ થયું છે."--છોટુભાઈ (વાંસદા તાલુકાના ખેડૂત )
બજારભાવ ઘટ્યાઃ આ સાથે 30/35 ટકા જેટલું નુકસાન થયું છે. જેથી આ વર્ષે 25થી 30 કિલો જ કાજુનો પાક લઈ શકાયો છે. જેમાં પણ માવઠાના કારણે પાકની ગુણવત્તા ન સચવાતા બજારમાં ભાવ ઓછા મળે છે. કાજુની ગુણવત્તા પ્રમાણે 90 થી લઈને 120 સુધી કિલોનો ભાવ મળતો હોય છે. છેલ્લાં બે વર્ષોથી બદલાતા વાતવરણ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તેથી સરકાર દ્વારા યોગ્ય સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો સરકાર પર મીટ માંડી રહ્યા છે. ગામના અન્ય ખેડૂતો પાસેથી આ વાત જાણવા મળી હતી.
"વાંસદા તાલુકામાં કમોસમી માવઠાથી કાજુની ખેતીમાં ફ્લાવરિંગ અને ફ્રુટિંગ પર કોઈ અસર થઈ નથી. વાદળછાયુ વાતાવરણ રહેવાથી ટી-મોસ્કીટો નામની જીવાત રસ ચુસી નવા આવેલા મોર અને ફ્રુટ ને નુકસાન કરી શકે છે. સમયસર દવાનો છંટકાવ કરે તો આ જીવાતના નુકસાનથી બચી શકાય છે. ચાલું વર્ષે કાજુની ખેતીને નુકસાનીની અત્રેની કચેરીને કે અધિકારીઓને ખેડૂત દ્વારા લેખિત કે મૌખિક રજૂઆત આવી નથી."--ડી.કે.પડાળિયા (નાયબ બાગાયત નિયામક)
પાક ધોવાયોઃ અધિકારી ડી.કે. પડાળિયાએ આપેલા રીપોર્ટ અનુસાર, જો આ બાબતની કોઈપણ ખેડૂતની રજૂઆત આવશે. અમે સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશું. ભારતભરમાં ગોવાના કાજુ પ્રખ્યાત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કાજુની બે જાતનું વાવેતર કરવામાં આવે છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ સૌરાષ્ટ્રમાં પણ માવઠાના મારથી મોટું નુકસાન થયું છે. ખાસ કરીને તલ, કપાસ અને કેરીના પાકને મોટું નુકસાન થયું છે. ઉનાળાનો તડકો પાક માટે પણ આશીર્વાદ સમાન બની રહેતો હોય છે, પરંતુ આ વખતે જાણે કુદરત રીસામણે બેઠી હોય એવું લાગી રહ્યું છે. જોકે, ઘણા ખેડૂતો એવું પણ માની રહ્યા છે કે, આવી રીતે વરસાદ આવશે તો ચોમાસે વરસાદ લંબાશે.