નવસારી: ગુજરાતમાં વર્ષો અગાઉ માં આદ્યશક્તિની આરાધના સાથે ગરબા, મહિલાઓ જ ગાતી અને રમતી હતી. જેમાં નાગર મહિલાઓ માતાની આરાધના પોતાના ઘરે બેઠા-બેઠા શાસ્ત્રીય રાગો ઉપર આધારિત ગરબાઓ ગાઈને કરતી હતી. જે ગરબાઓ બેઠા ગરબા તરીકે પ્રચલિત થયા. કોરોના કાળમાં જ્યારે નવરાત્રીના આયોજનો પર પ્રતિબંધ મુકાયો છે અને લોકોના આરોગ્યને ધ્યાને રાખીને પણ ગરબા થઈ શકે એમ નથી. ત્યારે નવસારીના બીલીમોરાના સંગીતકાર નિલેશ પટેલે નાગરોના બેઠા ગરબામાંથી પ્રેરણા લઇ પોતાની મૌલિક રચનાઓ સાથે શાસ્ત્રીય રાગો આધારિત 10 ગરબાઓનું આરાસુરી અંબા આલ્બમ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કર્યું છે. કર્ણપ્રિય આ ગરબાઓ દ્વારા કોરોના કાળમાં માઇભક્તો ગરબા રમીને નહીં, પણ સાંભળીને માં અંબાની ભક્તિમાં લીન થઈ શકે એવો સ્તુત્ય પ્રયાસ કરાયો છે.
સંગીતકાર નિલેશ પટેલનું આરાસુરી અંબા ગરબાનું આલ્બમ પણ કોરોના કાળમાં વધુ ઉપયોગી બનેલા ડિજિટલ માધ્યમથી બન્યું છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી દક્ષિણ ગુજરાતના 11 ગાયકો અને ગાયિકાઓને જોડીને આલ્બમના 10 ગરબાઓ ગવડાવાયા છે. સાથે જ ગરબાઓનું સંગીત પણ નિલેશ પટેલે ડિજીટલી આપ્યુ છે. જે કોમ્પ્યુટર ઉપર વાજિંત્રોના સોફ્ટવેરના ઉપયોગ થકી બનેલા, ડિજીટલ સંગીત સાથે ગરબાઓ ગવાયા છે. જેમાં એક ગરબો મુળ નવસારીના ગણદેવીની અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાઇ થયેલી અંજલિ દેરાસરીએ પણ ગાયો છે. નિલેશ પટેલે ગરબાના સંગીત, કોરસ સાથેનો ટ્રેક અંજલિને મોકલી, તેને ગાઈડન્સ આપીને ગરબો ગવડાવ્યો હતો. સામાન્ય માઈક્રોફોન પર અંજલિ દ્વારા ગવાયેલો ગરબો, એડિટ થયા બાદ અદ્દલ સ્ટુડિયોમાં ગવાયો હોય, એવો કર્ણપ્રિય બન્યો છે.
કોરોનાના કાળે માં ભગવતીની આરાધનાને પણ ગ્રહણ લગાવ્યું છે. પરંતુ માઈભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિએ કોરોના કાળમાં પણ ગરબા રમવાના ઉત્સાહને જાળવી રાખ્યો છે. ત્યારે નિલેશ પટેલનું બેઠા ગરબાનું આલ્બમ આરાસુરી અંબા પણ માઇભક્તોને નવરાત્રી દરમિયાન માં આદ્યશક્તિની આરાધનાનો અલૌકિક અનુભવ કરાવશે.