સુરત : રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેરમાં દક્ષિણ ગુજરાતના નવસારી, બિલીમોરા, ગણદેવી, વલસાડ, વાપી અને ઉમરગામ જેવા નાના શહેરમાંથી હજ્જારોની સંખ્યામાં નાગરિકો નોકરી કરવા માટે આવે છે અને આ શહેરમાં સુરતથી પણ નોકરી માટે જનારા નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જો કે, રેલવે દ્વારા આવા પાસ હોલ્ડરો માટે હાલ કોઈ ટ્રેનની વ્યવસ્થા ન કરવામાં આવતાં નાગરિકોની હાલત કફોડી થવા પામી છે. જેના પગલે આજે ગુરૂવારે નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા રેલવેના હજ્જારો પાસ હોલ્ડર્સના હિતને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેન શરૂ કરવા માટે મુંબઈ ખાતે વેસ્ટર્ન રેલવેના ડી.આર.એમને રજુઆત કરવામાં આવી છે. રજુઆતને પગલે ડી.આર.એમ દ્વારા પણ આ સમસ્યાને વહેલી તકે નિરાકરણ માટે સાંસદ સી.આર.પાટીલને આશ્વાસન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસ પર સંક્રમણને ધ્યાનમાં રાખી લોકડાઉનના ચાર તબક્કા બાદ અનલોક-1ના પ્રારંભ સાથે જ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉદ્યોગ-ધંધા શરૂ કરવા માટે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી રહી છે.