નવસારીઃ કચ્છ એક્સપ્રેસમાં દારુની હેરફેરનો મામલો સામે આવ્યો છે. જાગૃત પેસેન્જરને પરિણામે સમગ્ર હેરફેર પરથી પરદો ઉચકાયો છે. રેલવે પોલીસે દારુની 250 બોટલ્સ કબ્જે કરીને આરોપીઓને ઝડપી લીધા છે. આ હેરફેરમાં દિવ્યાંગ યુવક માસ્ટર માઈન્ડ હતો અને તેની સાથે 3 મહિલાઓ અને 6 સગીર બાળકો પણ આ કાંડમાં સામેલ હતા.
સમગ્ર ઘટનાક્રમઃ મુંબઈથી ભુજ જતી કચ્છ એક્સપ્રેસમાં કોચ નં. એસ 5માં મહારાષ્ટ્રના દહાણુથી કેટલાક શંકાસ્પદ લોકો ચઢ્યા હતા. જેમાં એક દિવ્યાંગ યુવક, 3 મહિલા અને 6 બાળકોનો સમાવેશ થતો હતો. આ મુસાફરોએ પોતાના સામાનના થેલા ટોયલેટમાં મુક્યા હતા. તેમજ તેમની વર્તણુક પણ શંકાસ્પદ હતી. આ આરોપીઓની વર્તન પર દરેક મુસાફરોનું ધ્યાન ખેંચાયું હતું. મુસાફરોની શંકા દ્રઢ થતા તેમણે નવસારી રેલવે સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાને પરિણામે નવસારી રેલવે પોલીસ દોડી આવી હતી. આરોપીઓની જડતી લેતા તેમના શરીરે દારુની બોટલ્સ બાંધેલી મળી હતી તેમજ ટોયલેટમાં પણ થેલામાં દારુ સંતાડેલો મળી આવ્યો હતો. રેલવે પોલીસે આરોપીઓને ઝડપી લઈ કુલ 250 વિદેશી દારુની બોટલ કબ્જે કરી હતી. આ સમગ્ર મામલે નવસારી રેલવે સ્ટેશન પર કચ્છ એકસપ્રેસને 20 મિનિટ જેટલી રોકવી પડી હતી.
કચ્છ એક્સપ્રેસમાં દારુની હેરફેર ઝડપાઈ છે. એક દિવ્યાંગ યુવક પોતાના શરીર પર દારુની બોટલ્સ બાંધીને ટ્રેનમાં ચડ્યો હતો. તેની સાથે મહિલાઓ અને બાળકો પણ દારુની હેરફેર કરતા ઝડપાઈ ગયા છે. આરોપીઓએ ટોયલેટમાં પણ દારુ સંતાડ્યો હતો. અમે ફરિયાદ કરતા નવસારી રેલવે પોલીસે કાર્યવાહી કરી છે...કમલેશ ભાનુશાળી(રેલવે પેસેન્જર, કચ્છ એક્સપ્રેસ, નવસારી)