નવસારી: જિલ્લો લાંબા સમયથી સુધી કોરોનાથી બચ્યો હતો, પરંતુ લોક ડાઉનના 28માં દિવસે, ગત 21 એપ્રિલના રોજ નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના સધ્યા ફળીયાનો દિનેશ બાબુભાઇ રાઠોડ (42)નો કોરોના પોઝીટીવ આવતા, કોરોનાએ નવસારીમાં પગ પેસારો કર્યો હતો. દિનેશ સુરતના મહુવા તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો, જેથી કોરોનાએ સુરતના માર્ગે નવસારીમાં પ્રવેશ કર્યો હતો.
દિનેશને સારવાર અર્થે નવસારીની કોવીડ-19 સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવારના અઠવાડિયા બાદ તેનો ફરી કોરોના ટેસ્ટ કરવા સેમ્પલ લેવાયા હતા, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી નિયમાનુસાર 24 કલાકમાં બીજો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રીપોર્ટ પણ નેગેટીવ આવતા હોસ્પિટલ દ્વારા દિનેશને રજા આપવાની તૈયારી કરાઈ હતી. જેને શુક્રવારે સાંજે સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના યોદ્ધા દિનેશ રાઠોડને સિવિલ સર્જન ડો.રૂપલ જેસ્વાની, હોસ્પિટલના ડોક્ટરો, ટેક્નિશ્યનો તેમજ સ્ટાફે ઉત્સાહ સાથે તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો.
10 દિવસમાં જ કોરોના જેવી વિકટ બીમારીથી સાજા થયેલા ડીનેશન ચહેરા પર પણ એક યોદ્ધા જેવો ગર્વ જોવા મળ્યો હતો. સાથે જ તેણે 10 દિવસમાં કોરોના સામેની જંગમાં સાથ આપનાર ડોક્ટર તેમજ હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો. સાથે જ દીનેશે સોશિયલ ડિસ્ટનસિંગ, વારેવારે હાથ ધોવા તેમજ મોઢે ફરજિયાત માસ્ક પહેરવાના નિયમોનું ચુસ્તતાથી પાલન કરવાની અપીલ પણ કરી હતી.
નવસારી જિલ્લામાં ગત 21 એપ્રિલથી આજ સુધીમાં કુલ 7 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાં કોરોનાના પ્રથમ દર્દી હાંસાપોરના દિનેશ રાઠોડ અને અંબાડા ગામની ડો. નેહલ સાકરિયાએ કોરોનાને માત આપી છે. જેથી હવે નવસારીમાં ફક્ત 5 કોરોના પોઝિટિવ કેસ રહ્યા છે અને તેઓ પણ વહેલા સાજા થાય એવી આશા બંધાઇ છે.