નવસારી: કહેવાય છે કે, જૂનું એ સોનું, આ જ વાત અભ્યાસના ક્ષેત્રમાં પણ લાગુ પડતી જોવા મળી છે. નવસારીમાં અનેક એવા વિદ્યાર્થીઓ નવા પાઠ્યપુસ્તક લેવાના બદલે પસ્તીમાંથી પુસ્તકો લઈને અભ્યાસ કરી રહ્યા છે. જેનાથી અભ્યાસ પણ થાય છે અને દરેકના ખિસ્સાને પણ પરવડે છે. બીજી તરફ વેપારીઓ પણ સારી કંડિશનમાં આવા અભ્યાસક્રમના જૂના પુસ્તક સાચવી રાખીને વિદ્યાર્થીઓને અડધી કિમતે પુસ્તક આપે છે.
ભાવમાં વધારો: શાળાઓ ખુલવાની સાથે જ નવા સત્રના પાઠ્યપુસ્તકો તેમજ નોટબુકોની ખરીદી શરૂ થતી હોય છે. પાઠ્યપુસ્તકોના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેથી ગરીબ સામાન્ય વર્ગના પરિવારોને નવા પુસ્તકોના પ્રિન્ટેડ ભાવ પોસાતા નથી. બાળકોને ભણાવવા માટેના મોંઘાદાટ પાઠ્યપુસ્તકોની ખરીદી કરવાનું ટાળે છે. તેઓ પસ્તી વેચતી દુકાનોમાંથી પાઠ્યપુસ્તકો શોધીને બાળકોને ભણાવવાનું યોગ્ય માને છે. નવસારીમાંથી ઘણા વિદ્યાર્થીઓએ આ રસ્તો અપનાવ્યો છે.
પસ્તીની દુકાને ભીડઃ બાળકના શિક્ષણ માટેના પાઠ્યપુસ્તકો પુસ્તકોના ભાવ સેંસેક્સની જેમ વધી રહ્યા છે. ત્યારે ગરીબ અને સામાન્ય પરિવારના વાલીઓ બાળકોને ભણાવવા દિવસ રાત મહેનત કરે છે. પણ દરેકના ખિસ્સાને નવા પુસ્તકોના ભાવ પોસાય એમ નથી. વધતા જતા પુસ્તકોના ભાવને લઈને વાલીઓ તેમના બાળકોને લઈને પસ્તી વેચતી દુકાનો પર જાય છે. જ્યાં જે તે વિષયના જુના પુસ્તકો શોધી શોધીને લઈ રહ્યા છે. ખાસ ફાયદો એ થાય છે કે, તે જૂના હોવાથી સરળતાથી પ્રાપ્ય થાય અને અડધી કિંમતે મળી જાય.
જયારે પસ્તીમાં પુસ્તકો વેચતા વેપારી જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, બાળકોની પરીક્ષા તેમજ અભ્યાસ પૂર્ણ થયા બાદ વાલીઓ પસ્તીના ભાવે 1 થી 12 ધોરણ સુધીના પાઠ્યપુસ્તકો અમને આપી જાય છે. જે અમે વ્યવસ્થિત સાચવીને રાખીએ છીએ. નવા સત્રમાં ગરીબ પરિવારો અમારી પાસે આવીને આ પુસ્તકો પોતાના બાળકો માટે લઈ જાય છે. જેના ભાવ પણ અમે ઘણા સામાન્ય લઈએ છીએ. જેથી કરીને બાળકો પોતાનો અભ્યાસ કરી શકે.--- પ્રવીણભાઈ (પસ્તીના વ્યાપારી)
રાહત દરે પુસ્તકઃ બાળકો અને વાલીઓ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સ્કૂલના પાઠ્યપુસ્તકોના ભાવ આસમાને હોય છે. જેથી એટલા મોંઘા પુસ્તકો ખરીદી શકતા નથી. જેથી અમારે પસ્તી વેચતી દુકાનોમાં જઈને અમારા વિષયને લગતા પુસ્તકો ખરીદવા પડે છે. નવા પુસ્તકોના ભાવ કરતા પસ્તીમાંથી ખરીદેલા પુસ્તકોનો ભાવ અડધા કરતાં પણ ઓછા હોય છે. જે અમને ઘણા રાહત દરે મળતા હોય છે.
ડબલ ફાયદોઃ સામાન્ય પરિવાર માટે ટૂંકી આવકમાં બધા ખર્ચા મેનેજ કરવામાં મુશ્કેલી થતી હોય છે. એવા સમયે આવા પસ્તીમાંથી લીધેલા પુસ્તકો ફાયદો કરાવી જાય છે. પસ્તીમાં વેચાતા પુસ્તકો લઈ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છીએ. પણ અભ્યાસ પૂર્ણ થયા બાદ ફરી અમે આ પુસ્તકો અહીં જ પસ્તીની દુકાન પર પસ્તીના ભાવે આપી દઈશું. જેથી બીજા ગરીબ વિદ્યાર્થીઓને પણ આ કામ લાગી શકે. એટલે આમ અમને ડબલ ફાયદો થાય છે.
વિદ્યાર્થીની અપેક્ષા આવીઃ સ્કૂલમાં આખા વર્ષની ફી અને અન્ય ખર્ચાઓ પણ થતા હોય છે. વિદ્યાર્થીએ સરકાર તરફથી પાઠ્યપુસ્તકોના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, જો પાઠ્યપુસ્તકોના ભાવમાં ઘટાડો થાય તો મધ્યમ પરિવારના લોકો પણ નવા પુસ્તકો ખરીદી પોતાનો અભ્યાસ સારી રીતે કરી શકે. જોકે, હાલમાં ઘણા એવા પાઠ્યપુસ્તકોની પ્રાપ્યતા સામે પણ ચર્ચા શરૂ થઈ છે. એવામાં આવી પસ્તીની દુકાનમાંથી સારૂ એવું અભ્યાસનું પુસ્તક સરળતાથી મળી જાય છે.
નવા પાઠ્યપુસ્તકો વાલીઓના ખીસ્સામાં ભારણ વધારશે કે ઘટાડશે, જાણો શું થયા ફેરફાર
સુરત શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને હજી પાઠ્યપુસ્તક મળ્યા નથી