નવસારી: નીસર્ગ વાવાઝોડાની અસરને કારણે નવસારીમાં સમયસર વરસાદ શરૂ થયો હતો, પરંતુ બે-ચાર દિવસો વરસાદી માહોલ રહ્યા બાદ મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા. જેને કારણે ફરી તાપમાનમાં ગરમીના વધારા અને બફારા સાથે આકરા ઉનાળાનો અનુભવ થયો હતો. જયારે જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની વાવણીની ચિંતા વધી હતી. પરંતુ જુલાઈનાં પ્રારંભે જ મેઘરાજાએ નવસારી પર કૃપા દ્રષ્ટિ કરી હોય એમ વરસાદી માહોલ બન્યો છે. જેમાં ગત શનિવારે સાંજથી જિલ્લામાં ક્યાંક ધોધમાર અને ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
જેમાં શનિવારે રાત્રે નવસારીના વિજલપોર વિસ્તારમાં વિઠ્ઠલ મંદિર નજીક રસ્તા પર પાણી ભરાતા પૂર્વ વિજલપોર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. બીજી તરફ રવિવારે વહેલી સવારથી જ જિલ્લામાં મેઘ મહેર રહેતા નવસારીમાં ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી હતી. વરસાદને કારણે નવસારી રેલ્વે સ્ટેશન નજીક જલાલપોર ચોકીની સામે ભુવો પડતા નવસારી પાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા અને ભુવાનું સમારકામ શરૂ કરાવ્યુ હતું.
![નવસારીમાં મેઘ મહેર: 24 કલાકમાં મેઘો મન મુકીને વરસતા સર્વત્ર પાણી-પાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-megh-maher-rtu-gj10031_05072020211735_0507f_1593964055_233.jpg)
જયારે શહેરના ગોલવાડ સ્થિત પોલીસ ચોકી નજીકની જર્જર મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી, જોકે દીવાલ પડવાને કારણે સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. નવસારી જિલ્લામાં રવિવારે સાંજે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં જલાલપોરમાં 4.75 ઇચ, જયારે નવસારી, ચીખલી અને ગણદેવીમાં 3.75 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ખેરગામમાં 1.75 ઇંચ અને વાંસદામાં 0.5 ઇચ વરસાદ નોંધાયો છે.
![નવસારીમાં મેઘ મહેર: 24 કલાકમાં મેઘો મન મુકીને વરસતા સર્વત્ર પાણી-પાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-megh-maher-rtu-gj10031_05072020211735_0507f_1593964055_621.jpg)
તાલુકામાં વરસાદ (મિલીમીટર)
- જલાલપોર 117
- નવસારી 90
- ચીખલી 90
- ગણદેવી 89
- ખેરગામ 41
- વાંસદા 13