નવસારી: વાંસદા તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી નાણાંકીય લેવડદેવડની વાતને લઇ ઉહાપોહ થયો હતો. જોકે, એસીબી સુધી ફરિયાદ કોઇ કરી ન હતી, પરંતુ હાલમાં જ તાલુકા પંચાયતમાંથી મોટી રકમની માંગણી કરી કોન્ટ્રાકટરની હેરાનગતિ કરાતા આખરે થાકી હારીને એસીબીને તેણે ફરિયાદ આપતા એસીબીએ ટ્રેપ ગોઠવી પટાવાળાને ઝડપી લીધો હતો. જોકે, આ કેસ સામે આવતા પંચાયતના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
કોની કોની સંડોવણી: નાણાં તેણે કોના કહેવાથી લીધા અને અન્ય કોની કોની સંડોવણી છે. તે અંગે પૂરી માહિતી મેળવવા માટે સ્ટાફના સભ્યોની હાલ પૂછતાછ ચાલી ૨હી છે. લાંચની માંગણીના અન્ય કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ થઈ છે.આ કામના ફરીયાદીએ વાંસદા તાલુકાનાં ગામો ખાતે રસ્તાનું તથા કંપાઉન્ડ દિવાલનું બાંધકામનાં કામ કર્યા હતા.
બીલનાં નાણાં મંજુર: ગ્રામ પંચાયતોમાં કરેલા રસ્તા તથા કંપાઉન્ડ દિવાલનાં બાંધકામનાં કામનાં બીલનાં નાણાં મંજુર કરવા માટે વાંસદા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારીનાઓ પાસે બીલ મંજુર કરવા માટે મોકલેલા હતા. જે આ કામનાં આરોપી પટાવાળા વાસીમખાન નાસીરખાન પઠાણ નાઓએ બીલ મંજુર કરાવી દેવાનાં અવેજ પેટે રૂપિયા 7 હજાર આપવા પડશે તેવું જણાવી ફરિયાદી પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, તેઓએ ટોલ ફ્રિ નં.1064 પર એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે સાંજે લાંચના છટકાનું આયોજન થયું હતું.
ફરિયાદના આધારે રેડ: સુરત એસીબીની ટીમે વાંસદા તાલુકા પંચાયતમાં કોન્ટ્રાકટર પાસે નાણાંની માંગણી બાબતે થયેલી ફરિયાદના આધારે દરોડા પડતા પટ્ટાવાળો ગ્રાઉન્ડ ફ્લોર પર રંગે હાથ ઝડપાયો હતો. ACB ની ટીમે તેની અટક કરી પૂછતાછ શરૂ કરી હતી. આ કેસમાં અન્ય અધિકારીઓના નામ પણ ખૂલી શકે એવી પૂરી શકયતાઓ છે. જોકે, પંચાયતની કચેરીમાં દામ વગર કામ થતું એ વાત એક પટ્ટાવાળાએ પુરવાર કરી દીધી છે. જ્યાં પટ્ટાવાળા જ આટલી મોટી રકમમાં મોહી જતા હોય ત્યાં અધિકારીની રકમ કેટલી હશે એ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.