નવસારી : નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વાંસદા તાલુકાના લાછકડી ગામે પુત્રએ માતાપિતાને ઢોર માર માર્યો હતો. જેના પગલે માતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે પરંતુ તેઓની સ્થિતિ પણ નાજૂક છે. ઘટનાની જાણ વાંસદા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી આરોપીની ધરપકડ સહિતની તજવીજ હાથ ધરી હતી.
બે પુત્રોએ માર માર્યો : ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ લાઈટ કનેક્શન માટે પિતાએ એના પૌત્રને થાંભલા પર ચડાવતા માતાપિતા અને પુત્રો વચ્ચે તકરાર થઇ હતી. વિવાદને લઇને ઉશ્કેરાયેલા બે પુત્રોએ માતાપિતાને લાકડાના ફટકાથી માર માર્યો હતો. લાકડાના ફટકાઓ વાગતાં માતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં જ્યાં એની સ્થિતિ નાજૂક બતાવવામાં આવી રહી છે.
પૌત્રને લાઈટના થાંભલા પર કેમ ચડાવ્યો તે બાબતની સામાન્ય બોલાચાલીમાં બંને દીકરાઓએ માબાપને ઢોર માર મારતા માતાનું મોત નીપજ્યું છે. જ્યારે પિતાને હોસ્પિટલ અર્થે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બંને આરોપીને પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે... એસ. કે. રાય (ડીવાયએસપી)
વીજળી ન હોવાથી પૌત્રને થાંભલે ચડાવ્યો : વાંસદા તાલુકાના લાછકડી ગામે રહેતા જાનુભાઈ જાદવ અને તેમની પત્ની સુમિત્રાબેનને બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ સંતાનો છે તેઓ બંને તેમના નિતેશ નામના પુત્ર સાથે રહે છે. રવિવારે સાંજે ઘરમાં વીજળી ન હોવાથી જાનુભાઈને તેમની પત્નીએ જાણ કરતા તેમણે જોયું હતું કે બધે વીજળી છે પણ તેમના ઘરે જ વીજળી નથી, જેથી જાનુબાઈએ તેમના 12 વર્ષીય પૌત્રને વીજ પોલ ઉપર ચડી આંકડો હલાવવા માટે કહ્યું હતું. પૌત્ર દ્વારા તેમ કર્યા બાદ વીજળી આવી જતા પૌત્ર થાંભલા પરથી નીચે ઉતર્યો હતો.
ચૂલામાં પડેલા સળગતા લાકડાના ફટકા માર્યાં : આ વાતની જાણ તેમના મોટા પુત્ર નિતેશને થતાં તેણે નાનાભાઈ સાથે ઘરે આવી માતાપિતા સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. તે સમયે તેણે તેના પિતાને માર મારતા તેમની માતા સુમિત્રાબેન વચ્ચે પડ્યાં હતાં. આ સમયે બંને પુત્રોએ ચૂલામાં પડેલા સળગતા લાકડા લઈ માતાપિતાને ઢોર માર માર્યો હતો. જેને લઇને તેની માતા સુમિત્રાબેન ત્યાં જ જમીન ઉપર ગંભીર હાલતમાં પડી ગઈ હતી.
માતાનું મોત : આ બનાવ બાદ બંને પુત્રો ફરાર થઈ ગયા હતા. આજુબાજુના લોકોએ ભેગા થઈ 108ને બોલાવી બંનેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે માતાને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જાનુભાઈએ બંને પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંસદા પોલીસે બંને પુત્રોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.