નવસારી : નવસારી જિલ્લાના ચીખલી નજીક આવેલા આલીપોર પાસેના નેશનલ હાઈવે સર્વિસ રોડ પરથી નવસારી એલસીબી પોલીસે કેમિકલ ચોરીનું રેકેટ ઝડપી પાડી રૂપિયા 42.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કેમિકલ ચોરીની બાતમી મળી : નવસારીના નજીક આવેલો નજીકનો હાઇવેનો વિસ્તાર કેમિકલ ચોરી તેમજ લોખંડના સળિયા સહિતની સામગ્રીઓની ચોરી માટે કુખ્યાત છે. ત્યારે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે પર આવેલા ચીખલી નજીકના આલીપોર પાસે ચાલી રહેલા કેમિકલ ચોરીના બનાવો બાબતે નવસારી એલસીબી પોલીસને માહિતી મળી હતી.
પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા ટેન્કર નં. જીજે-06-એએક્ષ-4313 માંથી ચોરી કરેલ બેઝાઈન કેમિકલનો 105 લીટરનો રૂ. 8610નો જથ્થો તેમજ ટેન્કરમાંના બેન્ઝાઈન પ્રવાહીના 27,182 લીટરના રૂ. 22,32,716 ના જથ્થા સાથે મળી કુલ રૂપિયા 22,49,976નો જથ્થો તેમજ ટેન્કર, ફોન, મોપેડ અને રોકડ સહિત રૂપિયા 42,86,476નો મુદ્દામાલ કબ્જે કરી મૂળ રાજસ્થાનના અને હાલ ચીખલી ખાતે રહેતા સોહનલાલ વિરવાલ તેમજ રાજસ્થાનના જોનપુર ખાતે રહેતા ટેન્કર ડ્રાઇવર અંકેશકુમાર ની ધરપકડ કરી વધુ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ત્રણે વિરુદ્ધ ચીખલી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ તપાસ નવસારી એલસીબી પોલીસ કરી રહી છે... એસ. કે. રાય (ડીવાયએસપી, નવસારી)
બે આરોપીની ધરપકડ : બાતમીના પગલે નવસારી એલસીબી પોલીસ હરકતમાં આવી હતી અને સુરત હજીરાથી વાપી ખાતે ટેન્કરમાં જતું કેમિકલ અધવચ્ચે ચીખલી પાસે ચોરી થતું હતું. તેને ઝડપી પાડી ચોરી કરેલ કેમિકલ સહિત ટેન્કરમાં રહેલા કેમિક્લના 22.49 લાખ રુપિયાના જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી વધુ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આલીપોર ગામની સીમમાં કૌભાંડ : ખૂબ જ મોટી માત્રામાં ઝડપી પાડવામાં આવેલા આ જથ્થા બાબતે અને ચોરી થતી હોવા બાબતે જાણકારી અને બાતમી મળતા નવસારી એલસીબીના PSI સૂર્યવંશી, PSI શંકરભાઈ ઉપરાંત ધર્મેન્દ્રસિંહ, તાહિરઅલી, નિમેષ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. નવસારી એલસીબી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે હાઇવે ઉપર કેમિકલ ચોરીનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. જેને લઇને નવસારી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન અમદાવાદ મુંબઈ હાઇવે પર આલીપોર ગામની સીમમાં મેટ્રો હોટલની નજીક સર્વિસ રોડ પર કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું.