નવસારી: સુરત સાથે સંપર્કમાં આવેલા નવસારીના બે તાલુકાનાં ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયુ હતુ. જોકે ત્યારબાદ નવસારીના સ્થાનિક અને ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા વૃદ્ધને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાં ચાર પોઝિટિવ દર્દીઓમાંથી ત્રણનો કોરોનાનો બીજો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ઓખાથી પરત આવેલા નવસારીના જલાલોર તાલુકાના ખલાસી દિનેશ બાબુ રાઠોડ (42), સુરતના મહુવાના તેના ખલાસી મિત્રના સંપર્કમાં આવવાના કારણે તેનો કોરોના રિપોર્ટ ગત 21 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. તેમજ ગણદેવી તાલુકાના આંતલિયા ગામે રામલા ફળિયામાં રહેતી અને સુરતની કિરણ હોસ્પિટલની નર્સ પ્રિયંકા પ્રવીણભાઇ પટેલ (24) નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા જનક માહોલ સર્જાયો હતો.
અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની પત્ની અને સુરતની કિરણ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતી ડૉ. નેહલ વ્રજલાલ સાકરિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા બે જ દિવસમાં નવસારીમાં કોરોનાએ હેટ્રિક મારી હતી, ત્યારબાદ ગત 25 એપ્રિલ, શનિવારે નવસારી તાલુકાના નસીલપોર ગામના સડક ફળિયાના ૬૫ વર્ષીય પશુપાલક ઈશ્વરભાઈ પટેલને કોરોનાના લક્ષણો દેખાતા તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા નવસારીમાં કોરોનાના ચાર કેસો નોંધાયા હતા.
નવસારી જિલ્લાના ત્રણ તાલુકાના ચાર વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે નવસારીની કોવીડ-19 હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન ચારેય પોઝિટિવ દર્દીઓનાં બીજા રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા હતા, જેમાં ચારમાંથી દિનેશ રાઠોડ, પ્રિયંકા પટેલ અને ડૉ. નેહલ સાકરીયાનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે નવસારીના આધેડ ઈશ્વરભાઇ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નવસારીના કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 3 દર્દીઓનો બીજો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે, હવે પછીનો રિપોર્ટ પણ નેગેટીવ આવે, તો તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે એવી સંભાવના છે.