- ચુંટણીમાં ટિકિટ કપાતા સોશિયલ મીડિયામાં પક્ષ સામે ઠાલવ્યો હતો આક્રોશ
- કોંગ્રેસ શહેર પ્રમુખ સામે સોશિયલ મીડિયામાં કરી હતી અભદ્ર ટિપ્પણીઓ
- પ્રદેશ કોંગ્રેસે કારણ દર્શક નોટિસ આપ્યાના બીજા જ દિવસે સુરેશ પાંડે સસ્પેન્ડ
નવસારી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા જ નવસારી-વિજલપોર નગરપાલિકાની ચૂંટણી જંગ લડવા કોંગ્રેસી આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉત્સાહી બન્યા હતા, પરંતુ ટિકિટ જાહેર થતા જ ઘણા કોંગ્રેસીઓએ સ્થાનિક આગેવાનો સામે બળાપો કાઢ્યો હતો. જેમાં કોંગ્રેસ સેવાદળના જિલ્લા પ્રમુખ સુરેશ પાંડેએ સોશિયલ મીડિયા સાઈટ્સ પર નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ વિરૂદ્ધ ચુંટણીને થોડા દિવસો બાકી હોવા છતાં અભદ્ર ટિપ્પણીઓ કર્યે રાખતા પ્રદેશ કોંગ્રેસે પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખના નિર્ણયથી નાખુશ પાંડેએ સોશિયલ મીડિયામાં કાઢ્યો હતો બળાપો
નવસારી-વિજલપોર નગરપાલિકાની ચુંટણી જાહેર થતા નગરસેવક બનવાના સપના લઈ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકર્તાઓએ પોતાની ક્ષમતા શહેર અને પ્રદેશ સમક્ષ મુકી હતી. જેમાં કોંગ્રેસમાં પણ 100 થી વધુ દાવેદારો નોંધાયા હતા. જેમાંથી શહેર અને પ્રદેશની ટીમે મુરતિયાઓ પસંદ કર્યા બાદ કેટલાક કોંગ્રેસીઓના દિલ તૂટી ગયા હતા. જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ સુરેશ પાંડેની ટિકિટ પણ કપાઈ ગઈ હતી. જેથી દુભાયેલા સુરેશ પાંડેએ તેમની ટિકીટ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ નાયકે કાપી હોવાના અનુમાન સાથે સોશિયલ મીડિયા સાઈટ્સ પર શહેર પ્રમુખ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીઓ સાથેની પોસ્ટ મુકવાનું શરૂ કર્યું હતું. જે ચુંટણીને થોડા દિવસો બાકી હોવા છતાં પણ ચાલુ રાખતા, પક્ષની છબી ખરાડવા અને પક્ષ વિરોધી કામ કરવા બદલ પ્રદેશ કોંગ્રેસે સુરેશ પાંડેને રવિવારે કારણ દર્શક નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો. પરંતુ ત્યારબાદ સોમવારે સુરેશ પાંડેને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.