નવસારી : લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ભાજપ 5 લાખ કરતા વધુની લીડ સાથે જીતવાની રણનીતિ ઘડી રહી છે. ત્યારે કોંગ્રેસી ધારાસભ્યને ભાજપમાં ભેળવ્યા બાદ તેમની સાથે જોડાયેલા સમાજને પણ ભાજપમાં જોડવાના પ્રયાસ રૂપ આજે નવસારીમાં વર્ષોથી વસેલા બનાસકાંઠા અને પાલનપુરવાસીઓનું બનાસકાંઠા મહાસંમેલન પૂર્વ કોંગી ધારાસભ્ય ગોવા રબારીની આગેવાનીમાં યોજાયું હતું. જેમાં 14 સમાજના 1000થી વધુ લોકોને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે ભગવો ખેસ પહેરાવી ભાજપમાં જોડવામાં આવ્યા હતાં.
સમાજ સમર્થન વધારવા પ્રયાસ : લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 બેઠક જીતવાનો ટાર્ગેટ લઈને ચાલી રહી છે. જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો ફકત જીતવાની નહીં સાથે મતોની ટકાવારી વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બનાસકાંઠાના કોંગ્રેસી ધારાસભ્ય ગોવા રબારીને ભાજપમાં લીધાં હતા. જેની સાથે નવસારી વિજલપોર શહેરમાં કોંગી પ્રમુખ અને તેમના ભાઈ જગમલ દેસાઈ પણ તેમનો હાથ પકડી ભાજપમાં કૂદી ગયા હતા.
આજે જે બનાસકાંઠા મહાસંમેલન યોજાયું છે. તેમાં મોટી સંખ્યામાં અલગ અલગ જ્ઞાતિના લોકો પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેથી અમારો બનાસકાંઠા સમાજ ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને સમર્થન કરે છે... ગોવા રબારી, પૂર્વ ધારાસભ્ય, બનાસકાંઠા
સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા : નવસારીમાં વર્ષોથી હીરા વ્યવસાય સાથે જોડાયેલા જગમલ દેસાઈએ હાલમાં જ ડાયમંડ એસોસિએશનની ચુંટણીમાં જીત મેળવી પ્રમુખ પદનો તાજ પહેર્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે ગોવા રબારીએ ભાઈ જગમલના સથવારે નવસારીમાં બનાસકાંઠા મહાસંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યુ હતું. જેમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગોવા રબારી સમાજના સમર્થન બાદ જોડાયાં : સંમેલનમાં પાટીલે કોંગ્રેસ અને તેના સાથે ગઠબંધનમાં જોડાઈને I.N.D.I.A. બનાવનાર પક્ષોને આડે હાથ લીધા હતા. સાથે જ ગોવા રબારી ભાજપમાં જોડવામાં મોડા પડ્યા હતાં, નહીં તો હાલમાં ધારાસભ્ય હતેનો ટોણો પણ માર્યો હતો. જેની સાથે જ હજુ સમય હોવાની અને અનેક તકો હોવાની વાત પણ કરી હતી. જેમાં ગોવા રબારીએ વર્ષ 2004થી જ નરેન્દ્ર મોદી તેમને ભાજપમાં જોડવાના પ્રયાસો કરી રહ્યા હતાં, પણ સમાજ અને સાધુ સંતોના સમર્થન વિના આવવાનું તેમને મન ન હતુ. ગત વિધાનસભામાં સમાજ સાથે સમર્થકો અને સાધુસંતોના પણ આશીર્વાદ મળતા ભાજપમાં જોડાયા હોવાની વાત કરી હતી. સાથે જ લોકસભા ચુંટણી લડવાની પરોક્ષ ઈશારો પણ કર્યો હતો.
ભગવો પહેરાવી પક્ષમાં આવકાર્યા : તેમણે જોકે પક્ષ નક્કી કરે એ ખરૂની વાત કરી વિવાદથી બચવાનો પણ પ્રયાસ કર્યો હતો. આજના સંમેલનમાં નવસારીમાં વર્ષોથી આવીને વસેલા બનાસકાંઠા અને પાલનપુરના વિવિધ 14 સમાજના 1000થી વધુ લોકોને આજે સાંસદ સી. આર. પાટીલે ભગવો પહેરાવી પક્ષમાં આવકાર્યા હતાં.