નવસારીઃ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે. લોકો અને સંસ્થાઓ પોત પોતાની રીતે આ પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વિવિધ આયોજનો કરી રહ્યા છે. આ શ્રેણીમાં બીલીમોરાનું પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયું છે. આ ટ્રસ્ટ દ્વારા બીલીમોરાથી અયોધ્યા સુધીની 1430 કિમી લાંબી શ્રદ્ધા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત 20 દિવસ બાદ દોડવીરો પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા સમયે અયોધ્યા પહોંચી જશે.
દોડ વિષયકઃ બીલીમોરાથી અયોધ્યા વચ્ચે 1430 કિમી લાંબી દોડનું આયોજન પ્રગતિ ચેરિટેબલ ટ્ર્સ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના આર્મી અને પોલીસ વિભાગમાં નોકરીની તૈયારી કરતા 26 યુવાનો અને 4 યુવતીઓ એમ કુલ 30 દોડવીરોએ આ દોડમાં ભાગ લીધો છે. 10 સ્વયંસેવકો તેમને માર્ગમાં મદદ કરવા માટે સાથે જઈ રહ્યા છે. આ દોડ કુલ 1430 કિમીની છે જે અંદાજિત 20 દિવસમાં પૂરી કરવામાં આવશે. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના અવસમાં હાજરી આપીને આ દોડવીરો બીલીમોરા પરત ફરશે. આ દોડ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.
આજથી દોડનો પ્રારંભઃ બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈને આજથી આ દોડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકીય અગ્રણીઓ અને હિન્દુ સંગઠનોના મહત્વના લોકોએ આ દોડને ફ્લેગ ઓફ કરાવી હતી. આ દોડમાં કુલ 30 દોડવીરોએ ભાગ લીધો છે. જેઓ રોજ અંદાજિત 80થી 90 કિમી અંતર દોડીને કાપશે. 20 દિવસમાં આ દોડવીરો અયોધ્યા પહોંચશે તેવી હાલ ગણતરી કરવામાં આવી રહી છે. જેથી પ્રભુ શ્રી રામના અયોધ્યા ખાતે થનારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં હાજરી આપી શકાય.
હું અત્યારે આર્મી માટે તૈયારીઓ કરી રહી છું. અમે બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરથી અયોધ્યા રામ મંદિર સુધીની દોડમાં ભાગ લીધો છે. 22મી તારીખે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અમે ત્યાં હાજર હોઈશું જે અમારા માટે બહુ ખુશી અને ગર્વની વાત છે...આરતી(દોડવીર, બીલીમોરા)
હું એક એથ્લિટ પ્લેયર છું. આ દોડમાં ભાગ લઈને હું બહુ ખુશી અનુભવું છું. અમે બીલીમોરાથી 1430 કિમી દૂર અયોધ્યા દોડીને જવાના છીએ. 500 વર્ષ પછી પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે હાજર રહીશું તે અમારા માટે બહુ ગર્વની બાબત છે. આ દોડમાં અમે રોજ 80થી 90 કિમી સુધીનું અંતર દોડીને કાપીશું. અમે આ દોડ માટે છેલ્લા 3થી 4 મહિનાથી તૈયારીઓ કરીએ છીએ...ઓમ પટેલ(દોડવીર, બીલીમોરા)
અમારા ટ્રસ્ટ દ્વારા બીલીમોરાથી અયોધ્યા સુધી કુલ 1430 કિમી અંતરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 26 યુવાનો અને 4 યુવતીઓ ભાગ લેવાની છે. 10 સેવકો આ દોડવીરો સાથે જશે જેથી તેમને માર્ગમાં જોઈતી મદદ મળી રહે. આ દોડને લઈને આખું બીલીમોરા ઉત્સાહી છે...નટુ સોસા(પ્રમુખ, પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ, બીલીમોરા)