નવસારી : છેલ્લા બે મહિનાથી નવસારી શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાં વધતી જતી ચોરીની ઘટનાઓને લઈને પોલીસની ઉંઘ હરામ થઈ છે. ત્યારે પોશ વિસ્તારમાં ચોરીની વધી રહેલી ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલિંગ બાબતે પણ સતત પ્રશ્નાર્થ ઊભા થતા રહે છે. ત્યારે નવસારી શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. નવસારીના એરુ ચાર રસ્તા પાસે અક્ષર જવેલર્સમાં પરોઢિયે ત્રાટકેલા તસ્કરો 1 મિનિટમાં જ 2 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા.
તસ્કરોનો તરખાટ : નવસારીથી દાંડી જવાના રસ્તે આવેલા એરુ ચાર રસ્તા વિસ્તારમાં પોલીસ ચોકીથી માત્ર દોઢસો મીટરના અંતરે અક્ષર જ્વેલર્સ નામની દુકાન આવેલ છે. પ્રશાંત પારેખ અને સમીર પારેખ આ દુકાનના સંચાલક છે. તેમણે ચોરી સામે રક્ષણ મેળવવા માટે ટેકનોલોજીની મદદ લઈ શટર ઉપર સેન્સર લગાવ્યું હતું. જેને લઈને કોઈ શટર સાથે છેડછાડ કરે તો તાત્કાલિક દુકાનના સંચાલકોને કોલ જતો હતો.
વહેલી સવારે તસ્કરોએ અક્ષર જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીને અંજામ આપ્યો છે. જેને લઈને આસપાસના સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા ઈકો કારમાં ચોરી કરવા આવેલા તસ્કરોની ઇકો કારના નંબર પ્લેટના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. -- એમ. એન. આહિર (તપાસ અધિકારી)
એક મિનિટમાં ખેલ ખતમ : ગઈકાલે વહેલી સવારે 4:43 વાગ્યે તસ્કરોએ દુકાનના શટર સાથે છેડછાડ કરતા જ સંચાલકને કોલ મેસેજ જતા તેઓ 15 મિનિટમાં દુકાન ઉપર પહોંચી ગયા હતા. પરંતુ આ 15 મિનિટની અંદર જ તસ્કરો દુકાનમાં હાથ સાફ કરી ગયા હતા. તસ્કરો ગણતરીની મિનિટોમાં આશરે બે લાખની કિંમતના ઘરેણાં લઈ રફૂચક્કર થયા હોવાનો અંદાજ જવેલર્સ સંચાલક સેવી રહ્યા છે.
ઘટના CCTV માં કેદ : જલાલપોર પોલીસ મથક હેઠળ આવતી એરુ ચાર રસ્તા પોલીસ ચોકી પાસે રાત્રીના સમયે હોમગાર્ડ જવાનો તૈનાત હોય છે. ત્યારે તેમની હાજરીમાં 150 મીટર દૂર ચોરી થાય અને તેમને ખ્યાલ ન આવે એવું કઈ રીતે બને ? તો નવસારી શહેરમાં પોલીસનો ડર રહ્યો ન હોય તેમ બિન્દાસ બની તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે એરૂ ચાર રસ્તા ઉપર એક જ રાતમાં ત્રણ દુકાનોમાં ચોરી થયાની વાત ચર્ચાઈ રહી છે. જે પૈકી ગાંધી ફાટક રોડ પર આવેલ મેડિકલ સ્ટોરમાં પણ તસ્કરોએ ચોરીના ઈરાદે શટર ઊંચું કર્યું હતું. પરંતુ ચોરી કરી નહોતી. હાલમાં તો આ સમગ્ર ઘટના બાબતે કોઈ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. ત્યારે આ અંગે વધુ તપાસ જલાલપોર પોલીસ કરી રહી છે.