નવસારી : નવસારી જિલ્લામાં મોટા પ્રમાણમાં શેરડી અને ડાંગરની ખેતી જે મૂરઝાવાની આરે આવી હતી તેને ફરી જીવતદાન મળ્યું છે. કારણ કે નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ વરસતા ડાંગર અને શેરડી ના પાકોમાં જીવમાં જીવ આવ્યો છે જેને લઇને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોને આશાનું કિરણ દેખાયું છે.
લાંબા વિરામ બાદ વરસાદ વરસતા શેરડી અને ડાંગરનો પાક પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. કારણ કે જે પાક મૂરઝાવાની અણીએ હતો તે વરસાદના કારણે ફરી બેઠો થયો છે. જેથી ખેડૂતોના માથેથી મોટી નુકસાની ટળી છે....પિનાકીન પટેલ પ્રમુખ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ )
ચોમાસાના આરંભે સારો વરસાદ : નવસારી જિલ્લામાં ગત દિવસોમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદે સમગ્ર નવસારી જિલ્લાને પાણીથી તરબોળ કરી દીધું હતું. જેને લઈને નવસારી જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, તો બીજી તરફ ખેડૂતોએ પાકનું વાવેતર કરી દીધું હતું.
ડાગર અને શેરડીનો પાક : નવસારી જિલ્લાના અંદાજિત 40000 હેક્ટરમાં ડાંગરનો પાક અને 17 થી 18,000 હેક્ટરમાં શેરડી પાક લેવામાં આવે છે. જેથી વરસાદના સારા આગમનના કારણે ડાંગર અને શેરડીની ખેતી કરતા ખેડૂતોએ પણ રોપણીની શરૂઆત કરી દીધી હતી.
ધરુ રોપી ફેરવાવણી સમયે વરસાદ ખેંચાયો : તેમાં પણ ડાંગર પકવતા ખેડૂતોએ ચોમાસુ ડાંગર લેવા માટે ડાંગરનું ધરું નાખી ફેર રોપણીની સમગ્ર તૈયારી કરી દીધી હતી. પરંતુ કુદરત રુઠી હોય તેમ પહેલા વરસાદ બાદ દોઢ મહિના સુધી વરસાદ ન પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી. જેમાં ડાંગર પકવતા ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાંગરનું ધરુ નાખી ફેરરોપણી ખર્ચ 3000 ખાતર ખર્ચ વીઘા દીઠ ત્રણથી ચાર હજાર ઘાવલ ખર્ચ 2500 રૂપિયાનો કર્યા બાદ વરસાદ ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી.
ભેજ ઘટતાં સફેદ માખીનો ઉપદ્રવ : બીજી તરફ શેરડીમાં પણ સમસ્યામાં ઉમેરો થયો હતો. જેમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો હતો જેને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવાઈ રહી હતી. પરંતુ લાંબા વિરામ બાદ મેઘરાજાએ નવસારી જિલ્લા પર વિશેષ આશીર્વાદ કર્યા હોય તેમ હવામાન વિભાગની આગાહીના પગલે સારા પ્રમાણમાં વરસાદ પડતા ખેતી પાકોના જીવમાં જીવ આવ્યો છે .તો શેરડી અને ડાંગરના પાકને નવું જીવનદાન મળતા માથેથી નુકસાનીના વાદળો દૂર થતાં જગતનો તાત હરખાયો છે.