નવસારી/ એથાણઃ સમગ્ર ગુજરાતમાં બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે કેરીના પાકનું ઉત્પાદન અને મીઠાશ ઘટી છે. ખેડૂતોના ખેતરમાં ગુણવત્તા વગરનો માલ તૈયાર થતા તેના ભાવ પણ બજારમાં ઓછા મળી રહ્યા છે. તેથી ખેડૂતોએ ખેતી કરવી એ પણ ચિંતાનો વિષય બનતો જાય છે. ખેડૂત મુકેશ નાયક એ કુદરતની આફતો સામે પણ પોતાની બાંયો ચઢાવી હોય તેમ પોતાના ફક્ત 25,000 સ્ક્વેર ફૂટના નાનકડા ફાર્મમાં ઇઝરાયેલ, પાકિસ્તાન તેમજ લોકલ 21 પ્રકારની કેરીની જાતોનું વાવેતર કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
પાકિસ્તાન-ઈઝરાયલની કેરીઃ દેશની જમીન પર માત્ર વિદેશની કેરીનું વાવેતર કરવા માં આવી રહ્યું છે. જે કેરી પાકિસ્તાન-ઇઝરાયેલ જેવા અલગ અલગ દેશની વેરાયટી હોવાની સાક્ષી પૂરે છે. આવી અનોખી ખેતી કરીને નવસારી ના ખેડૂતે ઇતિહાસ રચ્યો છે. નાનકડી ખોબા જેટલી જમીન પર 21 પ્રકાર ની કેરી પકવી છે. કૃષિ વૈજ્ઞાનિકોને પણ અચંબામાં મૂકી દીધા છે.
કોણ છે આ ખેડૂતઃ જલાલપુર તાલુકાના એથાણ ગામના વતની મુકેશભાઈ નાયક એમ તો ટેક્સટાઇલ એન્જિનિયર છે.ખેતી પ્રત્યે તેઓને અત્યંત લગાવ હોવાથી ખેતીમાં હંમેશા કંઈક ઇનોવેટિવ કરતા રહે છે. તેમણે પોતાની રહેઠાણની જગ્યા જે અંદાજિત 25,000 સ્ક્વેર ફૂટ છે. જેનો ખુબ સુંદર રીતે ઉપયોગ કર્યો છે. અહીં પોતાની કોઠાસૂઝથી 21 જાતની આંબા કલમોનું સફળ વાવેતર કરી સારું ઉત્પાદન લીધું છે. આ સફળતાની નોંધ કૃષિ યુનિ.એ પણ લીધી છે.
ફર્સ્ટ પ્રાઈઝઃ મુકેશભાઈ નાયક ને 2010માં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલા મેંગો શોમાં આલ્ફાનજો કેરીના માટે કીંગ ઓફ મેંગો શોનું ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. માત્ર કેરી જ નહીં વિવિધ પ્રકારના ફૂલ છોડ શાકભાજી તેમજ અન્ય નાના-મોટા ફળાઉ વૃક્ષો નો ખુબ સુંદર રીતે ઉછેર કર્યો છે. જેથી એમનું ફાર્મ જાણે વિવિધતામાં એકતા હોય એવું લાગી રહ્યું છે. આ અંગે મુકેશભાઈએ દિલ ખોલીને વાત કરી હતી.
નાનકડા ફાર્મ હાઉસમાં 21 પ્રકારની કેરીનો પાક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઝાડ 10 થી 12 વર્ષના છે. જેમાં ઇઝરાયેલની માયા, પાકિસ્તાનની હુશ્નઆરા, મોહન, રતોલ, સોનપરી, બ્લેક આલ્ફાનજો, માલગોબો, દાડમ, કેસર, અરકા પુનિત, અરકા સુપ્રભાત, આમરી, નીલમ તથા અન્ય છ જાતની રસ માટેની દેશી કેરીના પાકનું સારું ઉત્પાદન મેળવ્યું છે. સિઝન દરમિયાન અંદાજિત સો-મણ જેટલી કેરીનું ઉત્પાદન મેળવ્યું છે. ખાસ મિત્રોને ઓર્ડર સાથે વેચાણ કર્યું છે. ---મુકેશભાઈ (ખેડૂત)
લાખો રૂપિયાની આવકઃ આ કેરીનું વેચાણ તેઓએ પોતાના સિલેક્ટેડ ગ્રાહકો અને મિત્રોમાં એડવાન્સ બુકિંગ ઓર્ડર લઈને વેચાણ કર્યું છે. જેમાં તેઓએ એક લાખ રૂપિયાની આવક મેળવી છે. ખેડૂત મુકેશભાઈ જણાવી રહ્યા છે કે, ઇઝરાયેલની માયા કેરીની ડિમાન્ડ પણ સારી છે. તમામ કેરીઓની સામે સોનપરી કેરીની ડિમાન્ડ સૌથી વધુ છે. જેના તેઓને ગ્રાહકો 20 કિલોના 3000 રૂપિયા જેટલા સારા ભાવ આપી રહ્યા છે. કેરીના પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ગુણવત્તા યુક્ત ઉત્પાદન અને સારા ભાવ મળે છે. તેથી ખેડૂતો સોનપરી કેરીના વાવેતર તરફ વળે તેવી આશા છે.