નવસારી : બાળકોને એકલા અટુલા મુકતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો નવસારીથી પ્રકાશમાં આવ્યો છે. એક વર્ષીય માસુમ બાળકીનું ઘરમાં રાખેલી પાણીની ડોલમાં ડૂબી જવાથી મોત થયું છે. જેને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.
બાળકીનું કરુણ મોત : રોજીંદી ભાગદોડમાં કેટલાક માતા-પિતા પોતાના બાળકને ભગવાન ભરોસે છોડી પોતાના કોઈ કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે. તેવા માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવસારી ખાતે જમાલપુર વિસ્તારમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમાં વોચમેનની નોકરી કરતા પ્રેમ ટમટા તેની પત્ની અને એક વર્ષીય બાળકી નીલકંઠ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં જ રહે છે. તેઓ વોચમેનનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
બેદરકારીમાં દીકરી ગુમાવી : ગતરોજ પ્રેમ ટમટા નાઈટમાં નોકરી કરી બપોરના સમયે ઊંઘી રહ્યા હતા. તેમના પત્ની ઘરકામ કરવા માટે અન્ય જગ્યાએ ગયા હતા. તે દરમિયાન પરિવારની એક વર્ષીય ફૂલ જેવી દીકરી સુપ્રિયા બપોરના ત્રણ વાગ્યાના સમયે રમતા રમતા બાથરૂમ સુધી પહોંચી ગઈ હતી. જ્યાં મૂકેલી પાણી ભરેલી ડોલમાં તે ઊંધી વળી ગઈ હતી. બાળકીનું માથું પાણીમાં ડૂબવાથી અને તેનો શ્વાસ રૂંધાવાના કારણે તે અવાજ પણ ના કરી શકી અને બહાર પણ ના નીકળી શકી. આ પરિસ્થિતિમાં જ બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
એક વર્ષીય ફૂલ જેવી બાળકીનું મૃત્યુ થયું છે. જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એફએસએલ પરીક્ષણ પર કરવામાં આવ્યું અને બાળકીના મૃતદેહનો પીએમ પણ કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, પાણી ભરેલી ડોલમાં બાળકી ઊંધા માથે પડી હતી. જેમાં તેનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું છે. -- યોગેશદાન ગઢવી (તપાસ અધિકારી)
પાણીમાં ડૂબવાથી મોત : થોડા સમય બાદ ઊંઘમાંથી જાગેલા પિતાએ બાળકીને પોતાની પાસે ન જોતા શોધવાનું શરૂ કર્યું હતું. પરંતુ જ્યારે તેની નજર ડોલમાં પડેલી બાળકી પર પડી તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક બાળકીને લઈને ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ બાળકીને તપાસતા તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ તો પરિવારની એક વર્ષીય ફૂલ જેવી દીકરીનું અવસાન થતા પરિવાર ભાંગી પડયો છે.