નવસારી : ગુજરાતભરમાં ગણેશોત્સવનો તહેવાર રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખૂણે ખૂણે ભક્તો દ્વારા બાપ્પાની સ્થાપના કરી દસ દિવસ સુધી પૂજન અર્ચન કરવામાં આવે છે. જેમાં દરેક પંડાલોના આયોજકો અવનવી બાપાની મૂર્તિઓ લાવી તેની સ્થાપના કરે છે. ત્યારે નવસારીના દાદા ટટ્ટુના મોહલ્લામાં આવેલા સાંઈબાબાના મંદિરની બાજુમાં આવેલા સાંઈ સેવા સંસ્થાના સભ્યોએ ગણેશ સ્થાપનાના ધાર્મિક ઉત્સવની સાથે પર્યાવરણ જાળવણીની પણ સુંદર તકેદારી રાખી છે.
કાગળના માવાની શ્રીજીની પ્રતિમા : સાંઈ સેવા સંસ્થા દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી મુંબઈના પ્રખ્યાત મૂર્તિકાર રાજન ઝાડ નામના કલાકાર પાસેથી 500 કિલો પેપર વેસ્ટમાંથી બનાવેલી મૂર્તિ લાવી પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે. જે 12 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. સાંઈ સેવા સંસ્થાના આયોજક દીપકભાઈ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગણેશોત્સવના આઠ મહિના અગાઉ અમે મુંબઈ જઈને મુંબઈના પ્રખ્યાત મૂર્તિકાર રાજન ઝાડનો સંપર્ક કરી મૂર્તિનું બુકિંગ કરાવીએ છીએ. કારણ કે, આ સંપૂર્ણપણે પેપર વેસ્ટમાંથી બનાવવામાં આવતી હોવાથી તેને બનાવવા માટે ઘણો સમય લાગે છે. મૂર્તિ બન્યા બાદ પણ એને સુકાતા અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી જાય છે. ત્યારબાદ મુંબઈથી નવસારી સુધી લાવવા માટે ઘણી સાવચેતી રાખવામાં આવે છે.
મૂર્તિની ખાસિયત તો જુઓ : આ મૂર્તિની ખાસિયતની વાત કરવામાં આવે તો સંપૂર્ણપણે પેપર વેસ્ટમાંથી બનેલી 12 ફૂટની ઊંચાઈ ધરાવતી આ બેલેંસિંગ મૂર્તિ છે. આફ્રિકન હાથીના મુખાકૃતિમાંથી પ્રેરણા લઈ બનાવવામાં આવેલી આ ગણેશ પ્રતિમા ગુજરાતમાં જવલ્લે જોવા મળે છે. આ પ્રતિમા સામાન્ય પ્રમાણે બનાવવામાં આવતી મૂર્તિ કરતા કંઈક અલગ છે. આ પ્રતિમાનું માથું,કાન અને ચહેરો બનાવવો કોઈ સાધારણ મૂર્તિકારનું કામ નથી. જેથી અન્ય પ્રતિમા કરતા અલગ દેખાય છે. જ્યારે વિસર્જન દરમિયાન પીઓપીની મૂર્તિની સામે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એક થી દોઢ દિવસમાં જ પાણીમાં ઓગળી જાય છે. ઉપરાંત પાણીને પ્રદૂષિત કરતી નથી, જેથી પાણીમાં રહેલા જીવોને પણ કોઈ નુકસાન થતું નથી.
સંપૂર્ણપણે પેપર વેસ્ટમાંથી બનેલી 12 ફૂટની ઊંચાઈ ધરાવતી આ બેલેંસિંગ મૂર્તિ છે. આફ્રિકન હાથીના મુખાકૃતિમાંથી પ્રેરણા લઈ બનાવવામાં આવેલી આ ગણેશ પ્રતિમા ગુજરાતમાં જવલ્લે જોવા મળે છે. આ પ્રતિમાનું માથું,કાન અને ચહેરો બનાવવો કોઈ સાધારણ મૂર્તિકારનું કામ નથી. -- દીપકભાઈ પટેલ (આયોજક)
સાંઈ સેવા સંસ્થાની પહેલ : રાજ્ય સરકાર અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પર્યાવરણ બચાવવાની અપીલ છેલ્લા કેટલાક સમયથી થઈ રહી છે. ત્યારે સાંઈ સેવા સંસ્થા દ્વારા આ અનોખી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ બચાવવાની એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેને ગણેશ ભક્તો તેમજ પર્યાવરણ પ્રેમીઓ ખૂબ આવકારી રહ્યા છે.
ભક્તોમાં બાપ્પાનું આકર્ષણ : બાપ્પા દર્શને આવનાર ભક્તો જણાવે છે કે, સાંઈ સેવા સંસ્થા દ્વારા સ્થાપિત કરવામાં આવતી મૂર્તિ હંમેશા ભક્તો માટે કંઈક નવા સંદેશ સાથે આકર્ષિત કરે છે. આ વર્ષે મૂકવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પર્યાવરણની જાળવણી માટેનો ખૂબ સારો સંદેશો પાઠવે છે. જેથી અન્ય ગણેશ સ્થાપના કરતા પંડાલોના આયોજકોએ પણ આ પ્રમાણે ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ, જેથી ભક્તિ સાથે પર્યાવરણની જાળવણી કરી શકાય.