નવસારી: છેતરપિંડીના અનેક કિસ્સાઓ સમય અંતરે સામે આવતા હોય છે. પરંતુ ઠગબાજો હવે વિશ્વની સક્ષમ મોટી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓને પણ ઠગવામાં ગભરાતા ના હોય તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામે પ્રદેશ મંત્રી શીતલબેન સોની ને ઠગવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પાટીલના નામે પાર્સલ: નવસારી ખાતે રહેતા ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી શીતલબેન સોનીના ઘરે બપોરના સમય દરમિયાન મિશોમાંથી પાર્સલ મોકલવામાં આવ્યું હતું. જે પાર્સલ છોડાવવાનો ચાર્જ 1500 રૂપિયા જેટલો આવનાર ડિલિવરી બોય દ્વારા માંગવામાં આવ્યો હતો. જેથી પ્રદેશ મંત્રીને સમગ્ર મામલામાં કંઈક ગરબડ છે તેવું ધ્યાને આવતા તેમણે પોતાના ઘરના તમામ મેમ્બરોને પાર્સલ કોઈએ મંગાવ્યું છે તેવી ખરાઈ કરી હતી. જે તમામ સભ્યોમાંથી કોઈએ પણ ઓર્ડર કર્યો ન હતો. જેથી મહામંત્રીએ આ પાર્સલ ક્યાંથી આવ્યાનું પૂછવામાં આવતા આ પાર્સલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યાલય પરથી આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
છેતરપિંડીથી બચવા માટે તાકીદ: મહિલા મંત્રીએ તમામ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઓફિસ પર ફોન કરી તપાસ કરી હતી. જ્યાંથી જણાવવામાં આવ્યું હતું કે આવું કોઈ પણ પાર્સલ અહીંથી મોકલવામાં આવ્યું નથી. જેથી મહિલા મંત્રીએ સમયસુચકતા વાપરી પાર્સલનો અસ્વીકાર કર્યો હતો અને આ ઠગાઈથી છેતરતા બચી ગયા હતા. જેથી અન્ય ભાજપના આગેવાનો કે કાર્યકર્તાઓ આવી ઠગાઈનો શિકાર ન બને તે હેતુથી તેમણે તાત્કાલિક સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી તમામ લોકોને આવી છેતરપિંડીથી બચવા માટે તાકીદ કરી હતી.
બપોરના સમય દરમિયાન સી આર પાટીલ કાર્યાલય ઓફિસેથી પાર્સલ આવ્યું હતું. તેના ચાર્જ પેટે પંદરસો રૂપિયા માંગવામાં આવ્યા હતા. જેથી શંકા જતા કાર્યાલય પર સમગ્ર મામલે પૂછપરછ કરતા કોઈ પણ પાર્સલ અહીંથી મોકલાવવામાં નથી આવ્યું તેવું જણાવતા પાર્સલ લેવાનો અસ્વીકાર કર્યો હતો અને છેતરપિંડીથી બચી ગઈ હતી. જેથી આ તમામ ઘટનાને લઈને અન્ય ભાજપના કાર્યકરો કે આગેવાનો ના છેતરાય તે હેતુથી સોશિયલ મીડિયાના માધ્યમથી મેં સૌને પોસ્ટ મૂકીને સતર્ક રહેવા માટે જણાવ્યું હતું. - શીતલબેન સોની, પ્રદેશ મંત્રી