નવસારી: જિલ્લાના જલાલપોર તાલુકાનું ડાભેલ-સીમલક ગામ કે જેની વસ્તી સાડા આઠ હજારથી વધુ છે અને તેમાં પણ ૮ હજાર મુસ્લિમો છે. ગામમાં ૧૧૫ વર્ષ જૂની અને દેશની બીજી સૌથી મોટી છોકરાઓની મદરેસા અને મહારાષ્ટ્રના અક્કલકુવા બાદની સૌથી મોટી છોકરીઓની મદરેસા આવેલી છે. જેમાં ભારત સહીત દુનિયાના દેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ઇસ્લામની તાલીમ લેવા આવે છે. જયારે ગામમાં ૭ મસ્જીદો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો અલ્લાહની ઈબાદત કરતા હોય છે, જયારે આસપાસના ગામો પણ મુસ્લિમોના જ છે અને આ ગામો મળીને લગભગ ૫૦ હજાર લોકો માટે ડાભેલ સામાજિક અને ધાર્મિક દ્રષ્ટીએ મુખ્ય કેન્દ્ર છે. જેનાં કારણે દિવસ-રાત લોકોની અવર-જવર વધુ હોય છે.
જોકે કોરોના વાઇરસની મહામારી સામે લડવા ભારત સરકારે સમગ્ર દેશને લોકડાઉન જાહેર કર્યો છે, ત્યારથી ડાભેલ સીમલક ગામના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને ગામના ચાર રસ્તે પણ ભેંકાર શાંતિ છે. ગામની તમામ સાતેય મોટી મસ્જીદોનાં મૌલાનાઓએ મસ્જીદના દરવાજા પર નોટીસો લગાવી છે અને લોકોને ઘરેથી જ અલ્લાહની બંદગી કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે. જેને કારણે ડાભેલ-સીમલકના લોકો ઘરે જ ખુદાની ઈબાદત કરી રહ્યા છે. આ સાથે જ લોકડાઉનના પૂર્ણ સમર્થનમાં લોકો ઘરે જ રહે છે. હા, ઘરની બહાર નીકળે છે, પણ ફક્ત જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે.
ડાભેલ-સીમલકની જામિયા ઇસ્લામિયા મદરેસામાં અંદાજે 1200 વિદ્યાર્થીઓ ઇસ્લામની તાલીમ લે છે. જેમાં ૨ જી એપ્રિલે વાર્ષિક જલસો હતો, તેમ છતા કોરોનાને લઈને લોકડાઉન જાહેર થતા મદરેસા પ્રશાસને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા હતા, જેથી મહામારી સામે લડી શકાય. જયારે મોટા શહેરોમાં આજે પણ રસ્તા પર પોલીસ કાફલો છે અને ડ્રોન કેમેરાથી લોકો પર નજર રખાઈ રહી છે, ત્યારે ડાભેલમાં વગર પોલીસ બંદોબસ્તે લોકો સ્વયંભુ લોકડાઉનનું પાલન કરતા જણાયા હતા.