નવસારી: હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા અવિરત વરસાદને કારણે લોકમાતા બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે અમુક જગ્યાએ લોકમાતાનું રોદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું રહ્યું છે. સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં નવા નીરની આવક થઈ છે. ચીખલીની કાવેરી નદી પર કોઝ વે ઓવરફલો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
પીવાનું પાણી પૂરૂ: પીવાનું પાણી પૂરૂ પાડતી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા વરસાદથી ચીખલી ખાતે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પણ નદીના પાણીમાં ગરકાવ થયું હતું. જે જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે લોકમાતા કાવેરી શિવજીના પગ પ્રક્ષાલન કરતી હોય તેવા નયન રમ્ય દ્રશ્યો નદી કિનારે જોવા મળ્યા હતા. જેને લઈને આસપાસના વિસ્તારના સ્થાનિકો મોટી સંખ્યામાં નદી કિનારે આ દ્રશ્ય જોવા માટે ભેગા થયા હતા.
" હું કાયમ આ મંદિરે દર્શન માટે આવું છું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કાવેરી નદીમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા નદીના કિનારે જવા માટે મનાઈ ફરમાવી છે પરંતુ આજે નદીમાં પાણી વધતા નદી કિનારે આવેલું શિવજીનું મંદિર પાણીમાં ગરક થયું હતું જે અહલાદક નજારો જોવા માટે હું અહીં આવ્યો છું પરંતુ વહીવટી તંત્રના હુકમ મુજબ મેં દૂરથી દર્શન કરી ફોટા અને સેલ્ફી લઇને પરત ફરી રહ્યો છુ" -- રુષ્યંત શર્મા (સ્થાનિક સહેલાણી)
સેલ્ફી લેતા નજરે: સહેલાણીઓ ફોટા અને સેલ્ફી લેતા નજરે પડ્યા હતા સામાન્ય દિવસોમાં લોકો અહીં પૂજા પાઠ કરવા માટે આવતા હોય છે. પરંતુ હવામાન ખાતા ની આગાહીને પગલે જે રીતે નદીમાં પાણીની આવક વધી છે. તેને જોતા વહીવટી તંત્ર દ્વારા પણ નદીના કાંઠે જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેથી સ્થાનિક પર્યટકો દૂરથી જ આ નયનરમ્ય દ્રશ્ય નિહાળી પોતાનું મન મનાવી રહ્યા હતા.