નવસારી: દેવો ના દેવ મહાદેવના જળ અભિષેકનો લાવો કદાચ જ કોઈ ચૂકી જશે. ત્યારે નવસારીમાં આવેલી કાવેરી નદીએ મહાદેવનો જળ અભિષેક કર્યો હોય તેવું જોવા મળ્યું છે. ભારે વરસાદના કારણે કાવેરી નદીના સ્તરમાં વધારો થયો અને આ પાણી મહાદેવના મંદિરમાં પહોંચી ગયા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની લોકમાતાઓ બે કાંઠે વહેતી જોવા મળી છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં પણ જળસ્તરમાં વધારો થયો છે.
બ્રિજ પાણીમાં ગરકાવ: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આંતલીયા અને ઊંડાચ ગામને જોડતો આ લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જેથી વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજ પરથી અવરજવર કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ ઊંડાચ અને આતલિયા થી બીલીમોરા જતા વાહનચાલકો આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હોવા છતાં પણ જોખમી રીતે પાણીના પ્રવાહમાંથી પોતાનું વાહન લોકો ચલાવતા જોવા મળી રહ્યા છે.
ગામના સહેલાણીઓ: ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં પાણીની આવક વધી છે. જેને લઈને કાવેરી નદી પર બનાવવામાં આવેલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. નદીની બાજુમાં જ બનાવવા આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું. જેને લઇને લોકમાતા કાવેરી મહાદેવના પગ પ્રક્ષાલન કરતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. જેને જોવા માટે ચીખલી તાલુકાના આસપાસના ગામોના સહેલાણીઓ નદી પાસે આ સુંદર દ્રશ્ય જોવા માટે ઉમટ્યા હતા.
મંદિર પાણીમાં ગરકાવ: તો બીજી તરફ કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા પણ સહેલાણીઓ માટે નદી કાંઠે જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. સાથે નિચાણ વાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાવાની સંભાવના સિવાય રહી છે. ત્યાં તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક પર્યટન ઋષ્યંત શર્મા જોડે વાત કરતાં તેમણે જણાવ્યું હતું" કે સામાન્ય દિવસોમાં નદી કિનારે આવેલા મહાદેવના મંદિરે લોકો દર્શન કરવા માટે આવતા જ હોય છે. પરંતુ જ્યારે વરસાદની સિઝન આવે છે અને નદીના જળ સ્તરમાં વધારો થતા મંદિર પાણીમાં ગરકાવ થાય છે. તે દ્રશ્યો ખુબ સુંદર હોય છે. તેથી આ દ્રશ્ય જોવા માટે લોકો અહીં મોટી સંખ્યામાં એકત્ર થાય છે".